દમણઃ વલસાડ જિલ્લાના નારગોલ બંદરે સૌરાષ્ટ્ર વેરાવળથી 700 જેટલા ખલાસીઓ ભરેલી બોટ આવવા અંગે નારગોલ માછી સમાજે વિરોધ નોંધાવ્યો છે અને કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સહિતના કાંઠા વિસ્તારની બોટ વેરાવળ, સૌરાષ્ટ્ર તરફ માછીમારી કરવા ગઈ હતી. જે દરમિયાન કોરોના વાઇરસને કારણે લોકડાઉન જાહેર થતા મોટાભાગની બોટને ખલાસીઓ સાથે જ દરિયામાં રહેવાની ફરજ પડાઈ હતી.
જેમાં કેટલીક બોટ વેરાવળ, પોરબંદર જેવા બંદરોએ ફસાઈ હતી. આ તમામ બોટના ખલાસીઓ દ્વારા આ અંગે રજૂઆત કર્યા બાદ વેરાવળ કલેક્ટર અને વલસાડ કલેક્ટરે એકબીજાના સહકારથી વલસાડ જિલ્લાના ખલાસીઓને દરિયાઈ માર્ગે આવવા દેવાની મંજૂરી આપી હતી.
આ અંગે ઉમરગામના ધારાસભ્ય અને રાજય પ્રધાન રમણ પાટકર સમક્ષ પણ ફસાયેલા ખલાસી પરિવારોએ મદદ માંગી હતી. વેરાવળમાં પણ ખલાસીઓના 7 જેટલા એસોસિએશન દ્વારા સમજૂતી સાધી ગુરુવારે બે બોટમાં 200 જેટલા ખલાસીઓને નારગોલ બંદર નજીક વારોલી ખાડીમાં લંગર નાખવા રવાના કરી હતી. જે અંગે સ્થાનિક માછી સમાજને જાણ થતાં આ લોકોને નારગોલ કે, ઉમરગામના એકપણ બંદરે નહીં આવવા દેવાની માગ કરી વિરોધ નોંધાવ્યો હતો.
સમગ્ર મામલે રાજય પ્રધાન રમણ પાટકર સાથે ETV ભારતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારના કુલ 30,000 જેટલા ખલાસીઓ વેરાવળ બંદરે ફસાયેલા છે. એટલે તેમને પરત લાવવા સરકારમાં રજૂઆત કરી હતી, પરંતુ હવે અહીંના માછીમારો જ તેનો વિરોધ કરે છે.
વેરાવળ બોટ એસોસિએશનના ગોપાલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અહીંના 7 જેટલા બોટ એસોસિએશન સાથે આ અંગે પરામર્શ કરી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને વેરાવળ કલેક્ટર સમક્ષ પણ આ અંગે રજૂઆત કર્યા બાદ 2 બોટને ગુરુવારે અને 3 બોટને શુક્રવારે રવાના કરી છે.
સમગ્ર મામલે નારગોલ માછી સમાજના ઉપેન્દ્ર ટંડેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ખલાસીઓની આ બોટ વારોલી ખાડીમાં આવશે, તો તે બાદ તેમાંથી જો કોઈ કોરોના સંક્રમિત હશે તો વલસાડ જિલ્લામાં અત્યાર સુધી જે કોરોનાનો એકપણ કેસ નથી તેમાં વધારો થશે અને લોકોમાં ભય ઉભો થશે. આ લોકો જે બોટમાં આવે છે. તેમાં ઠાંસી ઠાંસીને ખલાસીઓ ભરેલા છે અને સોમનાથ ગિરમાં કોરોનાનો પોઝિટિવ કેસ પણ નોંધાયો છે. એટલે અમારો વિરોધ છે. આ માટે અમે કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે.
વેરાવળથી બોટમાં સમુદ્ર માર્ગે ઉમરગામ તાલુકાના વારોલી ખાડીમાં આવી રહેલા તમામ બોટના ખલાસીઓને સમુદ્રમાં જ બોટ કોરોન્ટાઇન કરવામાં આવશે અને આરોગ્ય વિભાગ દ્વારા તમામની ચકાસણી કરવામાં આવશે, તેવી ખાતરી વહીવટીતંત્ર એ આપી છે. ત્યારે નારગોલ માછી સમાજના વિરોધને કઈ રીતે શાંત પાડવામાં આવશે તેના પર સૌની મીટ મંડાઈ છે.