દમણ: દમણમાં સુખા પટેલના નિવાસસ્થાન સહિત વલસાડ અને દમણમાં તેમના નજીકના સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળોમાં ED ની ટીમે દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ મહત્વની સફળતા મેળવી છે. ED ની ટીમે પ્રથમ ભીમપોર સ્થિત સુખા પટેલ ના નિવાસ સ્થાન, તેના પેટ્રોલ પંપ, વાઈન શોપ તથા શો-રૂમ પર સોમવારે સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુખા પટેલના ઘરેથી ઈ.ડી. ની ટીમે 1.30 કરોડની આસપાસ રોકડા રૂપિયા તથા આશરે 100 કરોડથી વધુના મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રોકડા રૂપિયા કબજે: આ સિવાય સુખા પટેલનો સાળો જે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુંગરી ગામે રહે છે. તે કેતન ઉર્ફે ચકા પટેલના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમ્યાન ઈ.ડી. ની ટીમે 6 લાખથી વધુની રોકડ રકમ તથા અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા. જ્યારે દમણનાં મોટી વાંકડ ખાતે રહેતા તેમના સાઢુંભાઈ ભરત પટેલને ત્યાં પાડવામાં આવેલ છાપા દરમ્યાન ઈ.ડી.ની ટીમે 22 લાખ જેટલા રોકડા રૂપિયા કબજે કર્યા હોવાની વિગતો સાંપડી રહી છે.
કાર્યવાહી શરૂ કરી: એટલું જ નહીં પણ સુખા પટેલના એકાઉન્ટન્ટ જે પારડી તાલુકા કોલક ગામે રહેતા હોય એના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી ટીમ મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. દરોડા દરમિયાન ઈ.ડી. ની ટીમે સુખા પટેલની મોંઘીદાટ ગાડીઓની પણ નોંધણી કરી તે તરફ પણ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઈ.ડી. ની ટીમે સુખા પટેલ તથા તેમના પરિવારના બેંક એકાઉન્ટ તથા અન્ય પ્રોપર્ટીના દસ્તાવેજો પણ સીઝ કરી હોવાની ચોંકાવનારી વિગતો મળવા પામી છે.
દસ્તાવેજો કબજે: ઉલ્લેખનિય છે કે, સુખા પટેલ વર્ષ 2018 માં દમણના ડાભેલમાં થયેલા ડબલ મર્ડર કેસમાં હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે 2 દિવસથી ચાલી રહેલી ઈ.ડી. ની કાર્યવાહીમાં કરોડો રૂપિયાની સાથે મહત્વના દસ્તાવેજો કબજે કરતા હાલ દમણ અને વલસાડ જિલ્લામાં આ ચર્ચાનો વિષય બન્યો છે.