સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય સહસંગઠનમંત્રી વી.સતીશ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે પ્રદેશ પ્રભારી રઘુનાથ કુલકર્ણી, સંગઠન મહામંત્રી વિવેક ધાડકર, દમણ સાંસદ લાલુભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાવ્યાંજલિ સાથે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રવક્તા વિશાલ ટંડેલે તમામનું સ્વાગત કરી અટલજીના જીવન પર ઉદ્દબોધન કર્યુ હતું. જે બાદ લાલુભાઈ પટેલે સરકારના સુશાસન દિવસ મનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં આયુષમાન ભારત યોજના, આવાસ યોજના, કુપોષણ યોજના, નમો મેડિકલ કોલેજ વગેરે યોજનાના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત વી.સતિશે જણાવ્યું હતું કે, વાજપેયીએ ભારતને અણુશક્તિ રાષ્ટ્ર બનાવ્યું છે. તેઓ એક સન્માનીત નેતા હતા. તેમણે પોતાના જીવનમાં રાષ્ટ્રને સૌથી મોખરે રાખ્યું હતું. આજે આપણી સરકાર અટલજીએ બતાવેલી દિશા નિર્દેશ પર આગળ વધી રહી છે.
ઉલ્લેખનિય છે કે, અટલજીના જન્મ દિવસ નિમિત્તે દમણ ભાજપ દ્વારા દમણના હલપતિવાસમાં ઠંડી સામે ઝઝૂમતા ગરીબ પરિવારોને ધાબળા અર્પણ કર્યા હતા.