દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન તેમજ પ્રવાસન વિભાગ દ્વારા સાપ્તાહિક મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દમણના દેવકા બીચ ખાતે આવેલ નમો પથ પર 15 રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું. પ્રશાસક પ્રફુલ પટેલે આ પરેડને ફ્લેગ આપી અભિવાદન ઝીલ્યું હતું.
ઝગમગાટ પાથર્યો: 25 મી ઓગસ્ટ શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દમણના દેવકા બીચ ખાતે “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક પરેડ કાર્યક્રમનું ઉધાટન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત વિવિધ રાજ્યના કલાકાર, પ્રવાસીઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દેશની વિવિધતામાં એકતા દર્શન કરાવવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રશાસક હસ્તે આતશબાજી ની શરૂઆત કરાવી આકાશમાં રંગબેરંગી રોશનીનો ઝગમગાટ પાથર્યો હતો. તો, સાંસ્કૃતિક નૃત્ય પરેડને લીલી ઝંડી બતાવ્યા બાદ દરેક કલાકાર રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન: મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત DNHDD પ્રશાસન અને પ્રવાસન વિભાગ દ્વારા સાપ્તાહિક વિવિધ કાર્યક્રમો થકી મોન્સૂન ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંગે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ના ડિરેક્ટર અરુણ ગુપ્તાએ જણાવ્યુ હતું કે, પ્રદેશમાં પ્રવાસનને વેગ મળે તેવા ઉદ્દેશથી આ મોન્સૂન ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દમણ દેવકા બીચ ખાતે બીચને રોશનીથી શણગારી કલ્ચરલ પ્રોગ્રામ આયોજિત કર્યો છે. જેમાં 15 રાજ્યના અને સંઘપ્રદેશ ના લોક કલાકારો, સામાજિક સંસ્થા, વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહી તેમની પોતાની સંસ્કૃતિની ઝલક પ્રસ્તુત કરી છે. 3 કિલોમીટર લાંબી પરેડમાં ભાગ લેવા અન્ય રાજ્યના 400 કલાકારો ઉપસ્થિત રહ્યા છે. આ સાંસ્કૃતિક પરેડ વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા છે.
અનોખા આનંદની અનુભૂતિ: દમણ ખાતે પ્રવાસ દરમિયાન સાંસ્કૃતિક પરેડનો લ્હાવો લઈ પ્રવાસીઓ પણ તેમાં ઉમળકાભેર જોડાયા હતા. નેહલ સોલંકી અને અંકિતા વાઘસિયા પોતાના પરિવાર સાથે દમણના પ્રવાસે આવ્યા હતા. ત્યારે બીચ પર કલ્ચરલ પ્રોગ્રામ જોઈ અનોખા આનંદની અનુભૂતિ કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે, હાથમાં તિરંગા સાથે હજારો લોકોને જોઈ દેશભક્તિની ભાવના જાગી હતી. વિવિધ રાજ્યના કલાકાર પ્રસ્તુત કરેલા નૃત્યોની ઝલક જોવા મળી, ભાતીગળ સંસ્કૃતિના દર્શન કર્યા છે. તો આતશબાજી અને સુંદર લાઇટિંગનું ફેકોરેશન ખૂબ જ ગમ્યું છે.
ડાન્સ પરફોર્મન્સનું આયોજન: આ સાંસ્કૃતિક પરેડનું આયોજન નમો પથ, દેવકા સી ફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક કોલેજના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 નું મોડેલ રજૂ કર્યું. ત્યારબાદ વિવિધ સમાજના કલાકારો, વેસ્ટર્ન કલ્ચર આર્ટસ સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટરના કલાકારો દ્વારા આદિવાસી ડાન્સ, રોડ શો, કાર્ટૂન કેરેક્ટર, લાઈવ મ્યુઝિક બેન્ડ, સાંસ્કૃતિક ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.