વાપી: વલસાડ જિલ્લાના પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા દ્વારા યોજવામાં આવેલ ઉદ્યોગકારો સાથેના સંવાદમાં વલસાડ જિલ્લામાં થતા અકસ્માત મોતની અને ગુમ થયેલ કે અપહરણની નોંધાયેલ ફરિયાદોની તેમજ તેમાં મેળવેલ સફળતાની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. જે જાણીને ઉદ્યોગકારો ચોંકી ઉઠ્યા હતા.
ઘટાડો કરવામાં સફળતા: વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરવા આવતા કામદારોની તમામ વિગતો મેળવવી કેટલી ઉપયોગી થઈ શકે તેનો ચિતાર આપતા વલસાડ જિલ્લા પોલીસવડાએ ઉદ્યોગપતિઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, "વલસાડ જિલ્લામાં એક વર્ષમાં થયેલા ખૂનના ગુન્હા સામે માર્ગ અકસ્માત અને અકસ્માત મોત ના ગુન્હા 10 ગણા વધુ છે. તેમજ ગુમ અને અપહરણ કેસમાં 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોની 103 ફરિયાદ જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના ગુમ થયેલ વ્યક્તિઓની 700 ફરિયાદ નોંધાઇ છે." જો કે વિશેષ ડ્રાઈવ ચલાવી જિલ્લા પોલીસે ગત વર્ષની તુલનાએ તેમાં ઘટાડો કરવામાં સફળતા પણ મેળવી છે.
જીવ ગુમાવ્યો: વલસાડ જિલ્લામાં તારીખ 25 મી સપ્ટેમ્બર 2023 સુધીમાં ખૂનના કુલ 19 ગુન્હા નોંધાયેલ છે. જ્યારે તેની સામે ફેટલ એક્સિડન્ટમાં 220 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વલસાડ જિલ્લામાં અકસ્માત નોતરતા કુલ 24 જેટલા બ્લેક સ્પોટ છે. ત્યાં વારંવાર અકસ્માત થતા હોય પોલીસ દ્વારા તેવા સ્થળ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ બ્લેક સ્પોટ બાબતે રોડ સેફટી કાઉન્સિલની મીટિંગમાં પણ ચર્ચા કરવામાં આવી છે. આવા સ્થળો પર થતા અકસ્માત માં ઘટાડો કરવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેની સ્થળ મુલાકાત કરવામાં આવી છે. જરૂરી સાવચેતી સાથે આ વર્ષે ગત વર્ષની તુલનાએ આવા બ્લેક સ્પોટ પર 13 જેટલા ફેટલ અકસ્માતોનો ઘટાડો કરવામાં પોલીસને સફળતા મળી છે.
પોલીસને સફળતા: વલસાડ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો છે. અહીં આવેલા ઔદ્યોગિક એકમોમાં અન્ય રાજ્યમાંથી આવતા લોકો તે બાદ કયાંક ચાલ્યા જાય છે. એવી મિસિંગની પણ ફરિયાદ સામે જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. જે અંગે વલસાડ SP ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વલસાડ જિલ્લામાં 18 વર્ષથી વધુની ઉંમરના ગુમ થયેલ વ્યક્તિઓના 700 જેટલા આંકડા સામે આવ્યા છે. જેની સામે 55 દિવસમાં 116 જેટલા વ્યક્તિઓને શોધવામાં પણ પોલીસને સફળતા મળી છે. આવા સભ્યોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. અને આ ડ્રાઈવ આગામી દિવસમાં પણ ચાલુ રહેશે.