સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપમાં 20 વર્ષથી ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. જેમના દ્વારા રાંધા કેમ્પ ખાતે 16મી ડિસેમ્બરે વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે DIG ડૉ. રિશીપાલે જણાવ્યું હતું કે, 20મી રાઇઝિંગ પરેડનો દિવસ યાદગાર દિવસ છે. IRBN હંમેશા વિકટ પરિસ્થિતિમાં કામગીરી કરે છે. તે સાથે જ તે સિવિલ પોલીસની મદદ માટે પણ હંમેશા તૈયાર રહે છે.
પરેડ સેરેમનીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલ DIG ડૉ.રિશીપાલના હસ્તે બેડમિન્ટન, રસ્સાખેંચ અને વોલીબોલમાં પ્રદેશને વિજેતા બનાવનાર જવાનોને તેમજ સેવામાં ઉત્કૃષ્ઠ ફરજ નિભાવનાર જવાનોને સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી.
![સંઘ પ્રદેશની સંયુક્ત બટાલિયનના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-01-irbn-raising-pkg-gj10020_16122019190024_1612f_02508_558.jpg)
IRBNના જવાનોએ અનેક વખત દેશ-સેવાની ભાવનાની પ્રતીતિ કરાવી છે. કેરળમાં આવેલા પૂરમાં કસ્ટમ વિભાગના જવાનોને હેમખેમ બચાવી મહત્વની સિદ્ધિ મેળવી હતી. IRBNના જવાનો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપમાં ગત 20 વર્ષથી સરાહનીય કામગીરી બજાવી રહ્યા છે. તો સરકાર દ્વારા પણ જવાનો માટે ઉત્તમ રહેવાની સગવડ, સારી કક્ષાના વાહનો સહિત તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનાથી બટાલિયનના જવાનોમાં પણ દેશભાવના અનેરા ઉત્સાહ સાથે પ્રગટ થતી જોવા મળી હતી.
![પરેડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dnh-01-irbn-raising-pkg-gj10020_16122019190022_1612f_02508_512.jpg)
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપમાં સંયુક્ત રીતે કામ કરનાર IRBNના બટાલિયનમાં જવાનોની સંયુક્ત નિમણૂક કરવામાં આવે છે. જેમાં દાદરા નગર હવેલી, દમણના 50 ટકા અને લક્ષદ્વીપના 50 ટકા જવાનોની નિમણૂક કરી ત્રણેય પ્રદેશમાં સમયાંતરે જવાબદારી સોંપવામાં આવે છે. તેમજ બટાલિયનની સરાહનીય કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડ અને પ્રશાસન દ્વારા પણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.