ચણોદ કોલોની ખાતે શનિવારે GIDCના અધિકારીઓએ બુલડોઝર સાથે પહોંચી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. સાંઈ સર્વિસ સ્ટેશન, સીતારામ ફરસાણ નામની દુકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દબાણ હટાવ્યું હતું. જેનો સ્થાનિક દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો હતો. દુકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે, આ વિસ્તારમાં અન્ય 20 વર્ષથી દબાણ કરીને બેસેલા છે તેમને તંત્ર તોડતું નથી અને અમે ત્રણ મહિના પહેલા અહીં દબાણ કરી દુકાનો બાંધી હતી તેને તંત્રએ તોડી નાખી છે.
GIDCના અધિકારીઓ દ્વારા દબાણની કામગીરી હાથ ધરાતા આસપાસમાં લોકનું ટોળુ જમા થયું હતું. તેમ છતાં GIDC ના અધિકારીઓએ કોઈની પણ શેહ શરમ રાખ્યા વગપ ગેરકાયદેસર દુકાનોને તોડી પાડી હતી અને આગામી દિવસોમાં જેટલા પણ દબાણો છે તેને તોડી પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, ચણોદ કોલોની વિસ્તારમાં મોટાપાયે દબાણો કરવામાં આવ્યાં છે અને આ દબાણકારો GIDC ની જગ્યા પર દુકાનો બાંધી તેને ભાડે આપી તગડી કમાણી કરી રહ્યાં છે. ત્યારે શનિવારે GIDC એ કરેલી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહે અને જેટલા પણ દબાણો છે તે તમામ દબાણોને દૂર કરવામાં આવે તેવી લોકમાગ પણ ઉઠી હતી.