- સંઘપ્રદેશ પ્રશાસને કોરોના જાહેરનામું બહાર પાડ્યું
- શનિ-રવિવારે પ્રવાસીઓ માટે બીચ પર નોએન્ટ્રી
- મહારાષ્ટ્ર -ગુજરાતના સહેલાણીઓએ 72 કલાક પૂર્વેનો કોવિડ રીપોર્ટ આપવો પડશે
દમણઃ ગુજરાત-મહારાષ્ટ્રની જેમ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દિવમાં પણ કોરોનાએ માથું માર્યો છે. હાલ વધુ 50 જેટલા કેસ એક્ટિવ હોય સંક્રમણને રોકવા બીચ, બગીચા, અને અન્ય જાહેર સ્થળો દર શનિવાર અને રવિવારે બંધ રહેશે. આ માટે પ્રશાસને ખાસ જાહેરનામું બહાર પાડી આવા સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
જાહેર સ્થળો પર ફરવા પર પ્રતિબંધ
સંઘપ્રદેશના હેલ્થ અને ફેમિલી વેલ્ફેર વિભાગના સેક્રેટરીએ મુથમ્માએ બહાર પડેલા જાહેરનામા મુજબ પડોશના ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. શનિ અને રવિવારની રજામાં અંદાજે 20 હજારથી વધુ લોકો દમણ આવે છે. આ દિવસોમાં બીચ, જમ્પોર સી ફેસ રોડ, પાર્ક અને અન્ય જાહેર સ્થળ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સહેલાણીઓ દમણની હોટલ કે, રીસોર્ટમાં રોકાવા માગે તો 72 કલાક પહેલાનો કોવિડ નેગેટિવ રીપોર્ટ પણ રજૂ કરવાનો રહેશે.
કામના સ્થળોએ માસ્ક-સેનેટાઈઝર ફરજીયાત
ગુજરાત અને મહારાષ્ટ્રના પાડોશી રાજ્યોમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોવિડ -19ના સક્રિય કેસની સંખ્યા સતત વધી રહી છે. દાદરા નગર હવેલી અને દમણ દિવ માં પણ દરરોજ બનતા COVID ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેથી, અસરકારક નિયંત્રણ વ્યૂહરચના સાથે, સક્રિય દેખરેખ અને જીવાણુ નાશકક્રિયાના પગલાંનો અમલ કરવો મહત્વપૂર્ણ છે. જેના કારણે દાદરા નગર હવેલી દમણ અને દિવ ના વહીવટીતંત્રએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં લોકોને જાહેર કરવામાં આવ્યું છે કે જાહેરમાં અને કામના સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. જ્યારે પર્યટન સ્થળો દર શનિવાર અને રવિવારે બંધ રહેશે.