વડોદરા: ડભોઈ તાલુકાના મોટાહબીપુરા ગામે રહેતા અને હાલમાં રાજકોટ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું ફરી એક વખત અપહરણ થયા હોવાની જાણ ડભોઇ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 15 જેટલા ઇસમો સામે રાયોટીંગ સાથે અપહરણ અંગેનો ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદના છ દિવસ બાદ આ મહિલા કોન્સ્ટેબલ જાતે જ પોલીસ સમક્ષ હાજર થયાં હતાં.
અપહરણની ફરિયાદ: વડોદરા જિલ્લાના મોટા હબીપુરા ખાતેથી મણીબેન ચૌધરી નામના મહિલા કોન્સ્ટેબલનું અપહરણ થયા અંગેનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જોકે છ દિવસ બાદ મણીબેન ચૌધરી પોલીસ સમક્ષ હાજર થયાં અને અપહરણ મામલે તેમનું વીડિયો રેકોર્ડિંગ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું, જેમાં તેમણે જાતે કબૂલ્યું હતું કે, તેમનું કોઈ અપહરણ થયું ન હતું. મણીબેન ચૌધરી પોતાના વતન ડિસા ગયા હતા આ દરમિયાન તેમનું અપહરણ થયું હોવાની ફરિયાદ થઈ હોવાની તેમને જાણ થતા તેઓ પોતે વડોદરા શહેર સીટી અને ત્યારબાદ એલસીબી સમક્ષ હાજર થયાં હતાં અને નિવેદન નોંધાવ્યું હતું.
શું છે સમગ્ર મામલો: મણીબેન ચૌધરી ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, અને તેઓ એક યુવક સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા. અગાઉ પણ એક વાર પ્રેમી સાથે ભાગી જઈ નાટ્યાત્મક રીતે પાછા ફર્યા હતા. જેના પગલે તેમની ડભોઇ પોલીસ સ્ટેશન માંથી ડેસર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી. જોકે, ત્યાંથી પણ તેમનું અપહરણ થયું અને પોલીસ ફરિયાદ નોંધાતા તેઓ પરત ફરતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જોકે, રાજકોટ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવવા દરમિયાન પણ આજ મહિલા કોન્સ્ટેબલનું 15 જેટલા ઈસમોએ તેમનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. હાલની આ ફરિયાદમાં પણ અપહરણ નહીં પરંતુ પોતાની મરજીથી ગયાં હોવાનું સામે આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે, વારંવાર પોતાની ફરજ ઉપર હાજર રહીને આવા અપહરણના નવા-નવા દાવ ખેલતા આ મહિલા કોન્સ્ટેબલ સામે ઉચ્ચ અધિકારીઓ કેમ કોઈ પગલા નથી ભરતા કે, કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરતાં એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.