- દાહોદ જિલ્લાને શર્મસાર કરતી બીજી ઘટના આવી સામે
- મોબાઈલ ફોન પર વાત કરવાની બાબતે 2 સગીરાઓને માર્યો માર
- ઘટનાનો વીડિયો વાઇરલ થતા પોલીસે નોંધ્યો ગુનો
દાહોદ : જિલ્લાનો ધાનપુર તાલુકો હાલમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો અગાઉ ધાનપુરના ખજૂરી ગામે એક પરિણીતાના ખભે તેણીના પતિને બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. જ્યારબાદ આજે શનિવારે વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં 2 સગીરાઓને ફોન પર વાત કરવા બાબતે જાહેરમાં માર મારવામાં આવતો હોવાનું જોવા મળી રહ્યું છે.
શું છે વાઇરલ થયેલા વીડિયોમાં?
વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, 2 સગીરાઓની આસપાસમાં કેટલાક લોકો ઉભા છે અને તેમને મોબાઈલ ક્યાંથી આવ્યો ?, કોને કોને નંબર આપ્યા છે ? સહિતના પ્રશ્નો લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. થોડા સમય સુધી સવાલો પૂછ્યા બાદ એક વ્યક્તિ સગીરાના વાળ પકડીને તેને થપ્પડ મારતો નજરે પડે છે. જ્યારે અન્ય એક યુવક અન્ય સગીરાને જમીન પર ફેંકીને લાતો અને હાથ વડે મારતો જોવા મળે છે.
આ પણ વાંચો : છોટાઉદેપુરમાં 2 પરિવારે ભેગા મળીને પ્રેમી પંખીડાઓને ઝાડ સાથે બાંધીને માર્યા, વીડિયો વાઇરલ થતા 9ની ધરપકડ
પોલીસે 12 લોકો સામે ગુનો નોંધ્યો
જાહેર પંચની સામે સગીરાઓને માર મારતો વીડિયો સામે આવતા ધાનપુર પોલીસે કુલ 12 લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો અને તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 દિવસમાં જ ધાનપુર તાલુકામાં આ પ્રકારનો બીજો કિસ્સો સામે આવ્યો છે. જેથી તાલુકામાં મહિલાઓની સલામતી અંગે સવાલો ઉભા થયા છે.
શું હતી ધાનપુરના ખજૂરી ગામની ઘટના?
ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં એક 23 વર્ષીય પરિણિતા થોડા સમય અગાઉ પોતાના પ્રેમી સાથે નાસી છૂટી હતી. જ્યારબાદ સાસરિયાઓ તેણીને શોધી લાવ્યા હતા અને ગડદાપાટુનો માર મારીને પરિણિતાના કપડા પણ ફાડી નાંખ્યા હતા. જ્યારબાદ પતિને તેણીના ખભા પર બેસાડીને આખા ગામમાં ફેરવી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા અને તેના પડઘા ગાંધીનગર સુધી પડતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વધુ વાંચવા અહીં ક્લિક કરો…