દાહોદ: ગઈકાલે દાહોદના ગ્રામીણ વિસ્તાર ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકતા દાહોદ જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડવાના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે ઘણા ગામોમાં વીજળી ગુલ થવાથી અંધારપંટ છવાઈ જવાની ઘટના પણ સામે આવી હતી.
ખાબક્યો કમોસમી વરસાદ: રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગઈકાલે હળવો થી ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો, અને સવારથી જ ગાજવીજ સાથે ઠંડો પવન ફૂંકાયો અને ઘણી જગ્યાએ વરસાદ તૂટી પડ્યો તો અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાં. વરસાદ વરસવાની સાથે જ વાતાવરણ ઠંડુગાર બની ગયું છે, જ્યારે બીજી તરફ આ માવઠાને લીધે જિલ્લાનાં અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો.
વીજળી પડવાથી બેના મોત: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં માવઠું તેની અસર બતાવી રહ્યું છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે દાહોદ જિલ્લાના બે ગામોમાં કમોસમી વરસાદ સાથે બે અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાથી બે વ્યકિત ઓના મૃત્યું થયાં હતા. જેમાં ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે તળાવાં ફળિયામાં રહેતા નિનામા વિરસિગભાઈ હિરાભાઇ ઘરે હતાં તે દરમિયાન વીજળી પડવાથી દાઝી જતાં સ્થળ પર જ મુત્યું પામ્યાં હતાં. જયારે દેવગઢ બારીયા તાલુકાના વાંદર ગામે પણ વીજળી પડવાની ઘટનામાં બાબુભાઈ ભેમાભાઈ બારીયા નામના આધેડનું મોત થયું છે, તેઓ મહુડાના ઝાડ નીચે ઉભા હતા તે દરમિયાન અચાનક કડાકા સાથે વીજળી પડતા જ બાબુભાઈ બારીયાનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોક છવાય ગયો છે.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ: તો બીજી તરફ આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી છે. ભામણ ગામના ખેડૂત સબૂરભાઇ બારિયાએ જણાવ્યું હતું કે, હાલ ડાંગરની કાપણીનો સમય ચાલી રહ્યો છે તેથી ખેતરમાં ઊભો પાક હોવાથી તથા ઘઉં, ચણાના ઊભા પાકને માવઠાની સીધી અસર થઈ છે, જે પાક પલળી જવાથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પંથકમાં ડાંગર, તુવેર, ઘઉં, ચણા જેવા પાકોને વધારે નુકસાન થશે તેવી ધરતીપુત્રોમાં ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ કમોસમી વરસાદના કારણે વીજળી પડવાના બનાવથી પણ ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.