દાહોદઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તક રહેલા દાહોદ શહેરના રેલવે ઓવર બ્રિજથી ઝાલોદ બાયપાસ સુધીના રસ્તાનું રૂપિયા 2 કરોડના ખર્ચથી નવીનીકરણ કરવામાં આવશે. હાઇવે ઓથોરિટીએ આ માટેની રકમ રાજ્યના માર્ગ અને મકાન વિભાગને અપાતા હવે ટૂંક સમયમાં નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
દાહોદ શહેરના ઝાલોદ રોડ રેલવે ઓવર બ્રિજથી ઝાલોદ રોડ બાયપાસ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો 15 મિનિટનો બનાવવા માટેનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર વિજય ભાભોરે જણાવ્યું કે, આ 7 કિલોમિટરનો માર્ગ હાઇવે ઓથોરિટી પાસે હોવાથી તેના મેઇન્ટન્સમાં તકલીફ પડતી હતી. કારણ કે, હાઇવે ઓથોરિટીની એક ઓફિસ ચિત્તોડગઢ અને બીજી ઓફિસ ગોધરા આવી છે. આ બાબતે કલેક્ટર વિજય ખરાડીએ આ રસ્તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તક લેવા જણાવ્યું અને બાદમાં આ બાબતે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.
રેલવે ઓવર બ્રિજથી ઝાલોદ બાયપાસ રોડ દાહોદ નગરના સૌથી વ્યસ્ત રાજમાર્ગ પૈકીનો એક છે. ઝાલોદ તરફ જતા વાહનો ઉપરાંત જિલ્લા સેવા સદન અને કોર્ટ તરફ જતાં અરજદારો તથા કર્મચારીઓ આ માર્ગનો ઉ૫યોગ કરે છે. ગત ચોમાસાની ઋતુ દરમિયાન આ રાજમાર્ગનું પણ ધોવાણ થયું હતું. બાદમાં તેને ફરી તૈયાર કરવામાં આવ્યો હતો. હાલમાં આ રસ્તે 10 મિટર પહોળો છે. તેને હાલના તબક્કે 15 મિટર પહોળો કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. એટલે ટૂંક સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે. ભવિષ્યમાં આ રસ્તે 20 મીટર પહોળો કરી શકાય એવું પણ આયોજન છે.