દાહોદઃ જિલ્લામાં કોરોના વાઇરસને નાથવા માટે જિલ્લા તંત્રના પ્રયાસ હોવા છતાં માઈગ્રેશન થઈને દાહોદ આવેલા લોકોના સેમ્પલ પોઝિટિવ આવી રહ્યા છે. દાહોદમાં 138 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 136 રિપોર્ટ કોરોના નેગેટિવ અને બે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્ર તેમની ટ્રાવેલ્સ અને કોન્ટેક્ટ ટ્રેસીંગનું કાર્ય શરૂ કર્યું છે.
દાહોદ નગરમાં કોરોના વાઇરસના વધુ બે પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. આ બે કેસની સાથે દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસના કુલ એક્ટિવ કેસ 9 થયા છે. કલેક્ટર વિજય ખરાડીના જણાવ્યાં પ્રમાણે કુલ 138 સેમ્પલના પરિણામો આવ્યા છે.
જે પૈકી 136 નેગેટિવ અને 2 પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ કેસમાં મુંબઇના બાંદ્રાથી 4 મેના રોજ દાહોદ આવેલા 28 વર્ષના એક યુવાનને કોરોના લાગુ પડ્યો છે. જ્યારે 26 એપ્રિલના રોજ પોતાના ઘરનો ત્યાગ કરી કોઇ યુવાન સાથે નાસી ગયેલી નેલસુર ગામની 20 વર્ષીય યુવતી કોરોનાગ્રસ્ત બની છે. હાલના તબક્કે આ યુવતી પોલીસ કસ્ટડી બાદ સારવાર માટે મોકલી દેવામાં આવી હતી. આ બન્ને દર્દીઓના કોન્ટેક્ટનું ટ્રેસિંગ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.