દાહોદ નગરના પંડિત દીનદયાલ હોલ ખાતેથી ત્રણ દિવસીય જિલ્લા કક્ષાના કલામહાકુંભ ૨૦૧૯-૨૦નો પ્રારંભ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ તાલુકાઓમાંથી વિજેતા થઇને આવેલા સ્પધર્કો વચ્ચે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 500 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. યોજાયેલી વિવિધ નૃત્ય સ્પર્ધાઓમાં ભરતનાટયમ, રાસ ગરબા, લોકનૃત્યમાં કલાકારોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લાના ઇન્ચાર્જ શિક્ષણાધિકારી સુરેશ મેડાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર કલા મહાકુંભ દ્વારા કલાકારોની પ્રતિભાને વિકસાવવાનો અદભૂત અવસર આપે છે. દરેક વ્યક્તિમાં કોઇ પ્રતિભા છુપાયેલી હોય છે. આ પ્રતિભાને ઓખવવાની અને તેને વિકસાવાની જરૂર હોય છે. આ માટે સતત પ્રયાસ અને અથક મહેનતથી જ પ્રતિભાને વિકસાવી શકાય છે.
રાજય સરકાર પ્રતિભાશાળી કલાકારોની કલાને બહાર લાવવા માટે યોજાતા કલામહાકુંભમાં દાહોદ જિલ્લામાં આ વર્ષે 12359 સ્પધર્કોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કલા મહાકુંભના પ્રથમ દિવસે વિવિધ નૃત્ય સ્પર્ધાઓ, બીજા દિવસે અભિનય, સાહિત્ય, સંગીત વાદનને લગતી સ્પર્ધાઓ અને ત્રીજા દિવસે ગાયન, સાહિત્ય અને ચીત્રકલા કે સર્જનાત્મક કારીગરીને લગતી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરીએ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કર્યું હતું અને કલા મહાકુંભની કેટલીક વિશેષતાઓ વિશે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો અને કલાકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.