દાહોદ: દેવગઢ બારિયા તાલુકાનાા સેવનિયા ગામેથી બારીયા આવી રહેલા વેપારીને આંતરી 45 હજારની લૂંટ ચલાવી 6 લૂંટારૂઓ ભાગી ગયા છે. ફુલપુરા સેવનીયા ગામેથી પરત આવતા વેપારીને ત્રણ બાઈક પર આવેલા 6 જેટલાં સશસ્ત્ર અને બુકાનીધારી લૂંટારુ ટોળકીએ વેપારીને જંગલ વિસ્તારમાં આંતરી ઢોર માર મારી રોકડ રકમ, મોબાઈલ દાગીના સહિત 45,000ના સરસામાનની લૂંટ ચલાવી ફરાર થઇ જતા પંથકમાં ચકચારની સાથે ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરના રેટિયાપોળ વિસ્તારનો રહેવાસી અને ફુલપુરા સેવનીયા ગામે અનાજ કરિયાણાની દુકાન ધરાવતા વેપારી કુતુબુદ્દીન સૈફુદ્દીન કવાંટવાલા સાંજના સુમારે રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરી દુકાનનો વકરો લઈને દેવગઢબારિયા તરફ પોતાના ઘરે પરત આવી રહ્યાં હતાં.
આ જ સમયે જંગલ વિસ્તારમાં તમંચો, ધારિયા જેવા મારક હથિયારો સાથે ત્રણ બાઈક પર આવેલા 6 જેટલાં બુકાનીધારી લૂંટારુ ટોળકીએ કુતુબુદ્દીનને રસ્તામાં આતરી તેના પર હુમલો કરી લોહીલુહાણ કરી તેની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ વીંટી મળી 45,000 રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા, ત્યારબાદ હેમખેમ બાઈક ચલાવી સરકારી દવાખાને આવી સારવાર કરાવી હતી.