દાહોદના ચાકલીયા અંડરબ્રિજ નજીક રેલવે ટ્રેક પર અજાણ્યા તત્ત્વોએ લોખંડનો દરવાજો નાખી દેતા રાજધાની એક્સપ્રેસ ટ્રેનને મોટો અકસ્માત સર્જાતો રહી ગયો હતો. રેલ્વે ટ્રેક પર નાંખેલા લોખંડના દરવાજો ટ્રેન સાથે આશરે અડધો કિલોમીટર ઘસડાયો હતો ઘટનાને પગલે રેલવે વિભાગ દોડતું થયું હતું. રેલવે ટ્રેક પર ભાંગફોડિયા તત્ત્વોએ દરવાજો મૂક્યો કે, તસ્કરો દ્વારા મુકવામાં આવ્યો છે. સહિત વિવિધ અટકળો શહેરભરમાં ફેલાઈ રહી છે બનાવ સંદર્ભે RPF અને GRP સહિત રેલવેની વિવિધ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
મધ્યપ્રદેશ થી દાહોદ આવી રહેલી રાજધાની એક્સપ્રેસના સમયે રેલવે ટ્રેક પર અજાણ્યા ઈસમો દ્વારા લોખંડના દરવાજા જેવી ભારેખમ વસ્તુ પડેલી હતી. સ્પીડમાં મુંબઈ તરફ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પરથી પસાર થતા દરવાજો તેની સાથે આશરે 400 થી 500 મીટર ઘસડાઈને ગયો હતો. એન્જિન સાથે ટ્રેક પર ધડાકાભેર ઘસડાતી લોખંડની વસ્તુના કારણે એન્જિન પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી સ્ટેશન માસ્ટર તેમજ રેલવે કંટ્રોલને ઘટનાની જાણ કરી હતી. બનાવની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારી અને RPF જવાનો સહિત ઇમરજન્સી સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
રેલવે તંત્ર દ્વારા રાજધાની એક્સપ્રેસ ટ્રેનને આઉટરમાં જ આશરે 15 મિનિટ રોકીને એન્જીન ચેક કરવામાં આવ્યું હતું. કોઇ નુકસાન થયું ન હોવાથી ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. સદભાગ્યે રાજધાની ટ્રેનને મોટો અકસ્માત સર્જાતા બચ્યો હોવાથી રેલવે વિભાગ દ્વારા હાશકારો અનુભવ્યો છે. આ બનાવ અંગે રેલવે વિભાગની વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા રેલવે ટ્રેક પર દરવાજો ભાંગફોડિયા તત્ત્વો દ્વારા મૂકવામાં આવ્યો હતો કે, પછી કોઈ તસ્કરો છોડી ગયા છે જેને ઝીણવટ ભરી તપાસ શરૂ કરવામાં આવી છે.