જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ૯ તાલુકાઓમાં અંદાજે ૧૬૬૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની ઓનલાઇન હાજરી શાળાના મુખ્ય શિક્ષકે પૂરવાની જોગવાઈ વર્ષ 2018 - 19 થી અમલમાં આવેલી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની તેમજ શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોને સમય મર્યાદામાં ઓનલાઇન હાજરી પૂરવાની વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી.
તેમ છતાં દાહોદ જિલ્લાની ૯૮ પ્રાથમિક શાળાના શિક્ષકો હાજરી પુરવામાં ઘોર બેદરકારી દાખવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્રીજી ઓક્ટોબરના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની બે, દાહોદ તાલુકાની બે, ધાનપુર તાલુકાની છે. ફતેપુરા તાલુકાની ત્રણ, લીમખેડા તાલુકાની 7,. ગરબાડા તાલુકાની એક, સંજેલી તાલુકાની એક અને ઝાલોદ તાલુકાની પાંચ મળી કુલ ૨૯ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે શાળાના શિક્ષકની હાજરી પુરવામાં બેદરકારી દાખવી હોવાનું બહાર આવ્યુ છે.
દાહોદ જિલ્લાની ૬૯ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો દ્વારા ૩જી ઓક્ટોબરના રોજ શાળામાં અભ્યાસ માટે આવતા બાળકોની હાજરી ઓનલાઇન કરી નહોતી. જેમાં દાહોદ તાલુકાની પાંચ, દેવગઢ બારિયા તાલુકાની 10 ધાનપુર તાલુકાની ૧૧,ફતેપુરા તાલુકાની 13, લીમખેડા તાલુકાના ૧૪, સંજેલી તાલુકાની 8, ઝાલોદ તાલુકાની ૯, શાળાઓ મળીને જિલ્લાની 69 સરકારી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ની નિયમ 70 મુજબ મુખ્ય શિક્ષકોએ નિભાવવાની થતી ફરજનું પાલન કરવામાં બેદરકારી સામે આવી હતી.