દાહોદઃ જુનાપાણી ગામે મધ્યરાત્રીના ત્રણેક કલાકના સમયગાળા દરમિયાન દશ જેટલા લાકડીધારી ઈસમોએ ઈંટાવા ગામે રહેતા ત્રણ વ્યક્તિઓને ચોર સમજી લાકડી વડે હુમલો કરી માર મારતાં ત્રણે પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ દશ પૈકી 6 વ્યક્તિઓની પોલીસ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ તાલુકાના ઈંટાવા ગામે મેડા ફળિયામાં રહેતા અજયભાઈ નત્રાભાઈ સંગાડા, પ્રકાશભાઈ નવલાભાઈ સંગાડા અને પંકજભાઈ કશનભાઈ સંગાડા એમ ત્રણેય જણા રવિવારે રાત્રીના ૩ કલાકના આસપાસ જુનાપાણી ગામેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે જુનાપાણી ગામે રહેતા રાયમલભાઈ ગલાભાઈ ડામોર, મનેશભાઈ રાયમલભાઈ ડામોર, રાળુભાઈ ગલાભાઈ ડામોર, આલમભાઈ ગલાભાઈ ડામોર, બાબુભાઈ દલસીંગભાઈ સંગાડા, સકનભાઈ ગલાભાઈ ડામોર તથા તેમની સાથે બીજા ચારેક જેટલા ઈસમોએ પોતાની સાથે લાકડીઓ લઈ દોડી આવી, ચોર આવ્યા ચોર આવ્યાની બુમારાણો મચાવી અજયભાઈ સહિત તેમના સાથી મિત્રો ઉપર લાકડીઓ વડે હુમલો શરૂ કરી દીધો હતો.
વધુમાં લાકડીઓના માર ફટકા મારી ત્રણેયને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ પૈકી પ્રકાશભાઈ નવલાભાઈ સંગાડાને બેફામ લાકડીઓ વડે માર મારતા પ્રકાશભાઈને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા પણ ગંભીર ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને મૃત જાહેર કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ ઉપરાંત મૃતકના પરિવારજનોમાં આક્રંદના માહૌલ સાથે સાથે આક્રોશની લાગણી પણ ફેલાઈ છે. આ સંબંધે ઈજાગ્રસ્ત અજયભાઈ નત્રાભાઈ સંગાડાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત 6 લોકોની અટકાયત કરી હતી અને બાકીના ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.