દાહોદ : ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલા આદિવાસી સમુદાયોમાં હોળીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળીનો તહેવાર આવતા જ રોજગારી માટે માઈગ્રેશન કરી રહેલા આદિવાસી સમાજના લોકો હોળી પર્વ મનાવવા માટે ગામમાં આવી જતા હોય છે. હોળીનો તહેવાર શરૂ થતા જ પંથકમાં ભાતીગળ મેળાઓની સિઝન ખીલવા પામતી હોય છે.
આ મેળાઓમાં જેસાવાડા ગામે ભરાતો ગોળ ગધેડાનો મેળો જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. જેસાવાડા ગામની મધ્યે ભરાતા આ ગોળ ગધેડાના મેળા માટે ગામના આગેવાનો દ્વારા સીમાળાના ઝાડનો આશરે 30થી 35 ફૂટ ઊંચો થાંભલો રોપવામાં આવે છે. આ થાંભલાને ટોચ પર ગોળ ભરેલી થેલી બાંધવામાં આવે છે.
મેળાની શરૂઆત થતા પંથકની યુવતીઓ હાથમાં વાસની લીલી સોટીઓ સાથે ગીતો ગાઈને થાંભલાની રખેવાળી કરતી હોય છે. યુવતીઓ ગીતોમાં મશગુલ હોય છે, તેવા સમયે આદિવાસી યુવાનો હિંમતભેર ગધેડાના થાંભલા પર ચઢવાનો પ્રયાસ કરે છે, ત્યારે યુવતીઓ થાંભલા પર ચડતા યુવકને સોટીઓનો માર મારી ચડવામાં વિઘ્ન ઊભું કરે છે. તેમ છતાં યુવકો હિંમતભેર થાંભલે ચડતા હોય છે. તેમ છતાં જે યુવક હિંમતભેર થાંભલાની પર ચડીને ગોળની પોટલી મેળવે છે, તેને ગામના આગેવાનો વિજેતા જાહેર કરે છે. આ આ યુવક ગોળ ખાઈને ઉપસ્થિત બધા યુવાનોમાં પોતાને બળવાન અને શ્રેષ્ઠ હોવાનું સાબિત કરતો હોય છે.
ભૂતકાળમાં હિંમતભેર થાંભલે ચડીને ગોળ મેળવનાર પ્રથમ યુવક મેળામાં રહેલી મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની પરંપરા પ્રચલિત હતી, પરંતુ હવે સમય કાળ સાથે આ પરંપરા લુપ્ત થવા પામી છે. હવે ગોળ ગધેડાનો મેળો આદિવાસી સમાજ સહિત અન્ય લોકો માટે માત્ર મનોરંજનનો મેળો બની ગયો છે.