દાહોદ: પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના રાયસીંગ બુટલેગર દ્વારા મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો હતો. જે દારૂ મહિન્દ્રા XUV કારમાં ભરીને આવનાર છે તેવી બાતમી દાહોદ પોલીસને મળી હતી. જે અન્વયે દાહોદ એલસીબી દ્વારા ભાથવાડા ટોલ નાકા પર નાકાબંધી કરાઈ હતી. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકીને તપાસ કરતા તેની પાછળની સીટ તરફ નીચેના ભાગે ચોરખાનું બનાવી વિદેશી દારુની 570 નંગ બોટલો મળી કુલ 77,775નો દારૂ અને મોબાઇલ ફોન મળીને કુલ 10,82,775નો મુદ્દામાલ ઝડપી પાડી કબ્જે કર્યો હતો.
પાંચ લોકો સામે ગુનો દાખલ: દાહોદ એલસીબી પોલીસે વધુ તપાસમાં માટે ડ્રાઇવર રાજેન્દ્રસિંહની અટકાયત કરી પૂછપરછ કરી હતી. દારૂનો જથ્થો મધ્યપ્રદેશના સેજાવાડા ગામેથી ભરાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. નિકુંજભાઈ તથા આણંદના રાયસીંગ નડિયાદના શંભુ ઠાકોરે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી દાહોદ એલસીબી પોલીસે આણંદના રાયસિંગ અને નડિયાદના શભુ ઠાકોર સહિત પાંચ લોકો સામે પ્રોહીબિશન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તપાસ દેવગઢ બારીયા પોલીસને સોંપવામાં આવી છે.
'દાહોદ જિલ્લો બે રાજ્યની સરહદને અડીને આવેલો હોવાથી બુટલેગર દ્વારા અવનવા કીમિયાઓ અજમાવીને ગુજરાત વિવિધ જિલ્લામાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. એક દિવસ અગાઉ પકડાયેલ આઇશર કન્ટેનર ઉપર ડાક પાર્સલ લખેલું જોવા મળ્યું હતું. જેમાંથી મુદ્દામાલ સમેત 36 લાખ ઉપરાંતનો દારૂ જિલ્લામાં અગાઉ પણ સુથારવાસા ગામે ઓન ડ્યુટી પંચમહાલ ડેરી ગોધરા ગેરકાયદેરના બોર્ડ મારેલી સુમો અને એમ્બ્યુલન્સ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. આમ જિલ્લામાં દારુની હેરફેર કરનારા અને મંગાવનાર બુટલેગરને છોડવામાં આવશે નહીં.' - રાજદીપ સિંહ ઝાલા, ડીએસપી