દાહોદ: દાહોદ તાલુકાના રાબડાલ ગામે CNG ગેસ ભરવા આવેલી ગાડીના સિલિન્ડરમાં લીકેજ થતા નાસભાગ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી ગેસની ગાડી તાત્કાલિક નિર્જન સ્થળે લઇ જઇ સમારકામ કરવામાં આવ્યું હતું. પોલીસ અને તંત્રની સમયસૂચકતાને કારણે મોટી હોનારત થતા અટકી હતી.
રાબડાળ ગામે આવેલા CNG ગેસના પંપે ગુજરાત ગેસનો સિલિન્ડર ભરેલું વાહન આવ્યું હતું. આ વાહનમાંથી ગેસ ભરાવતી વખતે ગેસ સિલિન્ડરના વાલ લીકેજ થતા તેમાંથી CNG ગેસ ગળતર ચાલુ થઈ ગયું હતું. આ બાબતની જાણ પેટ્રોલ પંપના માલિક સહિત કર્મચારીઓને થતાં તેઓએ નજીકના પોલીસ મથકે સંપર્ક કર્યો હતો.
આ અંગેની જાણ દાહોદ રૂલર પોલીસના PSI અનિરુદ્ધ પરમારને થતાં તેઓ પોલીસ કર્મચારીઓ સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને તરત જ પોલીસ દ્વારા દાહોદ ફાયર ફાઈટરના જવાનોને પણ જાણ કરતા દાહોદ ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે લીકેજ ગેસ સિલિન્ડર ભરેલ વાહનને PSI એ.એન.પરમાર અને વાહનચાલક બોરવણી મુકામે આવેલ ગુજરાત ગેસના ગેસ ભરવાના વાલ સેન્ટર નજીક નિરજન સ્થળ પર લઈ ગયા હતા. જ્યાં ગાડી મુકી ગુજરાત ગેસના સિલિન્ડરોના વાલ વગેરે ચેક કરીને સમારકામ કરવામાં આવ્યું હતું. જેના કારણે મોટી હોનારતની ઘટના સર્જાતા અટકાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ પણ આ જ સ્થળે આગનો એક બનાવ બનવા પામ્યો હતો. જેમાં બે ત્રણ લોકો દાઝી જવા પામ્યા હતા. પરંતુ આજની ઘટનામાં પોલીસ અને ફાયર ફાઈટરની ટીમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી.