દાહોદ: જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં દિવસ રાત પ્રશાસન મહેનત કરી રહ્યું છે. કોરોનાને હરાવવા માટે હવે દાહોદના નાગરિકોએ પણ વધુ સજાગ અને સક્રીય બનવું પડશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ પ્રકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જ પડશે. ખાસ કરીને કન્ટેઇન્મેન્ટ ઝોન અંગેના આદેશોનું અનુપાલન કરવું જ રહ્યું. જો એમ ના કરવામાં આવે તો કોરોના વાયરસનો ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે.
કલેક્ટર વિજય ખરાડીએ ત્રણ મહત્વના મુદ્દાઓ સ્પષ્ટ કરતા કહ્યું કે, કોરોના વાયરસના દર્દી મળી આવ્યા બાદ તેના સીધા સંપર્ક એટલે કે, ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલી વ્યક્તિને ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે. ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલી વ્યક્તિને ચેપ લાગવાની શક્યતા પ્રબળ રહેલી છે. એટલે, તેમણે ખાસ તકેદારી રાખી સેલ્ફ રિપોર્ટિંગ કરતા રહેવું જોઇએ. ક્વોરોન્ટાઇનના સમય ગાળામાં કોઇના પણ સંપર્કમાં ન આવવું જોઇએ. જેથી, પરિવારના અન્ય લોકોને સુરક્ષિત રાખી શકાય.
બીજા મુદ્દા અંગે ખરાડીએ જણાવ્યું કે, કોરોનાના દર્દી મળી આવ્યા બાદ તેના ઘરને કેન્દ્ર બિંદુ ગણી આસપાસના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. સરકારની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી કરવામાં આવે છે. કન્ટેઇન્મેન્ટ ઝોનનો હેતું એ છે કે, કોરોના વાયરસના સંક્રમણને કેન્દ્ર બિંદુ આસપાસના વિસ્તારમાં અને તેનાથી બહાર જતા અટકાવવામાં આવે છે. એટલે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ નાગરિક જાય નહીં અને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી કોઇ વ્યક્તિ બહાર ના આવે તે બહુ જ જરૂરી છે. એટલે, કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું અનુપાલન કરવું એ દાહોદના નાગરિકો માટે ખુબ જ જરૂરી છે અને તો જ કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાશે. આ બાબત તમામ લોકોએ સારી રીતે સમજી લેવી પડશે.
ઉક્ત બાબતે કલેક્ટરે ઉમેર્યું કે, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરિ રથના માધ્યમથી સઘન તબીબી પરીક્ષણ કરવામાં આવે છે. તમામ ઘરોમાં જઇએ નાગરિકોની તપાસ કરવામાં આવે છે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા લોકો સ્વયં ધન્વંતરિ રથનો લાભ લઇ પોતાના આરોગ્યની તપાસ કરાવે અને આ બાબતે ગાફેલ ના રહે. આ ઉપરાંત કન્ટેઇન્મેન્ટ વિસ્તારને સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવે છે.
ત્રીજા મુદ્દા અંગે કલેક્ટર ખરાડીએ કહ્યું કે, કોરોના કાળમાં વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય બાબતે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ સંભાળ લેવામાં આવી રહી છે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં રહેતા હોય કે ના રહેતા હોય, વરિષ્ઠ નાગરિકોને આઇસોલેટ કરવામાં આવે તે જરૂરી છે. બિનનિયંત્રિત વિસ્તારમાંથી બહાર આવતીજતી વ્યક્તિએ પોતાના ઘરે વડીલોના સંપર્ક ટાળવા જોઇએ. જેમની ઉંમર ૬૦થી વધુ છે અને અન્ય પ્રકારની બિમારીઓ છે, તેવા વૃદ્ધો રિવર્સ ક્વોરોન્ટાઇન થાય એ આવશ્યક છે.
દાહોદમાં કોમોરબિડી કોરોના મૃત્યુદરમાં વૃદ્ધોનું પ્રમાણ વધું છે. એ બાબત તમામ લોકોએ સારી રીતે યાદ રાખવી પડશે. એટલે કે, આવા વૃદ્ધોને કોરોના વાયરસ લાગવાની શક્યતા વધુ છે. વૃદ્ધોની સંભાળ પ્રત્યે વધુ સંવેદનશીલ અને સજાગ બનવું પડશે. સમયાંતરે તેનું તબીબી પરીક્ષણ કરાવી લેવું જોઇએ. કોરોનાના કોઇ લક્ષણ જણાય તો તુરંત જ નજીકના સરકારી દવાખાને કે તબીબીને બતાવવું પડશે.