ઉલ્લેનીય છે કે, ગુજરાત જનરલ કામદાર એસોસિયેશનના દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓ જેવા કે, આશા ફેસીલીટર, આશા વર્કર તથા આરોગ્ય વિકાસ સેવીકા તરીકે છેલ્લા 10 વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવતા હોવા છતાં તેઓને નજીવો પગાર આપી વધુ કામગીરી કરવામાં આવતો હોવાના કર્મચારીઓના આક્ષેપો કર્યા હતા. આ સાથે તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે, આવા કર્મચારીઓને આશા ફેસીલીટરને માસીક ફીક્સ રૂ.12 હજાર આપવા તથા આશા વર્કર અને આરોગ્ય સેવીકા તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને માસીક ફીક્સ રૂ.8 હજાર તથા કામગીરી પ્રમાણે વેતન આપવા રજુઆત કરી હતી.
તેમજ દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર દ્વારા નજીવો પગાર ચુકવીના આજના મોંઘવારીના સમયમાં જેઓનું ઘોર અપમાન કરવામાં આવે છે, આટલા પગારમાં કુટુંબનું ભરણ પોષણ પણ થતું નથી, આવા કર્મચારીનું શોષણ અટકાવવામાં આવે. આ ઉપરાંત જો તેઓને કામગીરી પ્રમાણે પગાર નહીં ચુકવાય તો ગાંધી માર્ગ અપનાવાની આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ સંદર્ભે તેઓએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી કલેક્ટર કચેરી પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.