દાહોદઃ આપ જોઇ રહ્યાં છો દાહોદ જિલ્લાના ફૂલોના ખેતરોમાં લચી રહેલાં પુષ્પો... સામાન્ય દિવસો હોત તો આ ફૂલો અહીં આકરા તાપમાં તપી રહ્યાં ન હોય પરંતુ કોઇના પ્રસંગની શોભા વધારી હોત કે કોઇને ભાવથી અર્પણ થઈ ગયા હોત. તેને બદલે અત્યારે દાહોદના ખેતરોમાં મે મહિનાના આકરા તાપમાં ઝૂલસી રહ્યાં છે. કારણ છે કોરોનાને કારણે આવેલું લૉક ડાઉન. પેરિશેબલ ગણાતી ફૂલોની ખેતી અને તેના ખેડૂતો માટે આ નુકસાન બહુ મોટું છે. ફૂલબજારો સંપૂર્ણ બંધ છે ત્યારે આ ફૂલોનું કોઇ લેવાલ નથી. જે ફૂલોના છોડને વહાલથી સિંચ્યા હોય તે ફૂલોને ખેડૂતોએ કરમાચેલાં જોવા પડી રહ્યાં છે. એટલું જ નહીં આજીવિકા અટકતાં આર્થિક પનો ટૂંકો પડવાની ચિંતા પણ કપાળે કરચલીઓ પાડી રહી છે.
પરંતુ દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના પગલે હોળીના તહેવાર બાદ લૉક ડાઉન શરૂ થઇ જવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે તેમ જ માર્કેટ પણ બંધ રહેવાના કારણે ખેડૂતોના ફૂલો સૂર્યની આકરી ગરમી વચ્ચે મૂરઝાઈને ખેતરોમાં વેરાઈને માટી ભેગા મળી રહ્યાં છે. ફૂલોની ખેતી પર આત્મનિર્ભર બનીને આજીવિકા પામતાં ખેડૂતોને માલનું વેચાણ નહીં થવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઇ છે. ખેતરોમાં કરમાઈ રહેલા ફૂલોની જેમ ખેડૂતો પણ કરમાતાં જોવા મળી રહ્યાં છે.આ ફૂલોની ખેતી કરતાં ખેડૂતો બરબાદીની કગારે ઉભા છે. ફૂલોની ખેતીના નુકસાન સામે વળતર મળવાની અપેક્ષાએ સરકાર તરફ મીટ માંડીને રાહ જોઈ રહ્યાં છે.