દાહોદમાં DDO પણ કોરોના પોઝિટિવ
Dy. DDO સહિત 30 કર્મચારી ક્વોરોન્ટાઇના
પંચાયત ભવનમાં જનતાની કામગીરી અટવાઈ
દાહોદ: કોરોના મહામારી અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસો છતાં જિલ્લામાં લોકલ ટ્રાન્જેક્શન શરૂ થવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.તાજેતરમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ પણ કોરોના પોઝિટિવ થવાના કારણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
દાહોદ શહેરમાં 80 ટકાથી વધુ કોરોના સંક્રમિતના દર્દીઓ છેલ્લા ત્રણ દિવસમાં જોવા મળી રહ્યાં છે. આ દર્દીઓમાં ડોક્ટર અધિકારીઓ, મીડિયાકર્મી, વેપારીઓ સંક્રમિત બન્યા છે. જેમાં જિલ્લા પંચાયતના વડા DDOને કોરોના પોઝિટિવ આવતા જિલ્લા પંચાયત ભવનમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના સંપર્કમાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓની માહિતી મેળવવામાં આવી હતી. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને 30 કર્મચારીઓ ડીડીઓના સંપર્કમાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા DDO ઓફિસના કર્મચારીઓ સહિત વિવિધ શાખાના 30 કર્મચારીઓને ક્વોરોન્ટાઇનના આદેશ કરવામાં આવ્યાં છે. જેના કારણે જિલ્લા પંચાયતમાં મીની વેકેશનનો માહોલ સર્જાયો છે અને પંચાયતના મહત્વના કામોમાં વિલંબ થવાની શક્યતા જોવા મળી રહી છે.