દાહોદમાં નગરપાલિકા ચોક નજીક મુખ્ય પોસ્ટ ઓફિસની સામે આવેલા મકાનને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મકાનના ઉપરના માળનો હિસ્સો એકાએક ખરવા લાગતા મકાનની નીચે કામ કરી રહેલા મજૂરો બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો, પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે.
શહેરના ભરચક વિસ્તારમાં મકાન ધરાશાયી થતા એમ્બ્યુલન્સ અને શહેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ પોલીસે ટ્રાફિક સમસ્યા હલ કરવાના પ્રયાસો કર્યા હતા.
શહેરની વચ્ચે મકાન ધરાશાયી થવાની ઘટનાને કારણે રસ્તે ચાલતા રાહદારીઓ અને મજૂરોનો બચાવ થતા મોટી જાનહાનિ ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.