દાહોદ: સરકારની જનકલ્યાણની યોજનાનું અસરકારક અમલીકરણ થાય એ જોવાનું કામ કરતી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટિ એટલે કે, દાહોદ જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.
દાહોદ જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજનાનું અસરકારક અમલીકરણ થાય તો જ જનકલ્યાણની ભાવના સાકાર થઇ શકે છે. સરકારની યોજનાનો સુદ્રઢ અમલ કરવાનું કામ સરકારી અમલદારોનું છે. તેથી અધિકારીઓ પરસ્પર સારી રીતે સંકલન સાધી સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડે એ જરૂરી છે.
આ બેઠકમાં ઉપસ્થિત રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટેની ખાસ યોજનાનો લાભ દાહોદ જિલ્લાને વિશેષ પ્રમાણમાં લાભ મળ્યો છે.
પીવાના પાણી, કૃષિ અને સમૃદ્ધિકરણ, રસ્તા, વીજળીકરણ, સિંચાઇ ઉપરાંત વિવિધ સેવાઓને લગતી બાબતોને આવરી લઇને દાહોદને સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જરૂરી તમામ પ્રકારના અનુદાન આપવામાં આવે છે.
સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો સંપૂર્ણપણે ઉપયોગ થાય અને લોકકલ્યાણ માટે તેનો સમયસર અને યોગ્ય ઉપયોગ કરવાની જવાબદારી સરકારી અધિકારીઓની છે. તેથી આ ઉત્તરદાયિત્વનું સારી રીતે વહન થાય એ જરૂરી હોવાની શીખ તેમણે આપી હતી. બેઠકના પ્રારંભે બન્ને મહાનુભાવોનું સ્વાગત કર્યા બાદ કલેક્ટર વિજય ખરાડીએ સરકારની વિવિધ યોજનાની પ્રગતિની બાબતો બેઠકમાં પ્રસ્તુત કરી હતી.
આ બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાં આવાસો, સ્માર્ટ સિટી, એમજીવીસીએલ, માર્ગ અને મકાન, કૃષિ અને સિંચાઇ, રેલ્વે, પોસ્ટ, વન વિભાગ, પ્રાયોજના વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આઇસીડીએસ, શિક્ષણ, સ્વચ્છતા અને મનરેગા સહિતની યોજનાની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્યો વજુભાઇ પણદા, ચંદ્રિકાબેન બારિયા, રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, નિયામક સી. બી. બલાત, પ્રયોજન અધિકારી બી. ડી. નિનામા, કિરણ ગેલાત, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.