દાહોદઃ જિલ્લા ન્યાયાલય ખાતે ‘સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર’ના ઉદ્ઘાટન પ્રસંગે ન્યાયમૂર્તિ આર.પી.ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ‘સામાન્ય માણસના મનમાં કોર્ટનો એક ડર હોય છે, ત્યારે સંવેદનશીલ સાક્ષી કોઇ પણ જાતના દબાણ, ભય, પ્રલોભન કે કોઇનાથી પણ પ્રભાવિત થયા વિના જુબાની આપે તે જરૂરી છે. આ માટે એક મિત્રતાપૂર્ણ વાતાવરણ આ કેન્દ્રથી ઉભું કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં પણ સત્વરે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જે આવકાર્ય છે.
આ તમામ બાબતો CCTV માધ્યમથી કોર્ટરૂમમાં જોઇ સાંભળી શકાશે. જૂબાની નોંધી શકાશે. આરોપી કોર્ટ રૂમના એક તરફી પારદર્શક કાચવાળા આરોપી ખંડમાં બેસશે. કોર્ટ રૂમમાં આવેલું મોટું ડિસ્પલે યુનીટ પણ ત્યાં હશે, પરંતુ સામાન્ય રીતે ન્યાયાધીશ દ્વારા આરોપીની ઓળખ કરવાનું ચોક્કસપણે કહેવામાં આવે, ત્યારે જ બાળકને આરોપીના ફુટેજ પડદા ઉપર દર્શાવવામાં આવશે. આ વેળાએ દાહોદ જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.એમ.વોરા, પંચમહાલ અને ગોધરાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ જજ, દાહોદ જિલ્લાના પ્રિન્સીપાલ ફેમીલી જજ કે.આર. ઉપાધ્યાય, પાચમા એડીશનલ ડિસ્ટ્રીકટ જજ બી.એચ.સોમાણી, છઠ્ઠા એડીશનલ ડિસ્ટ્રીકટ જજ પી .પી.પુરોહિત, જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી સહિતના અધિકારી અને જિલ્લાના અગ્રણી વકીલો ઉપસ્થિત રહ્યાં હતા.