- દાહોદ જિલ્લાના 19,500 આદિવાસી ખેડૂતોને 6.82 કરોડના ખાતર-બિયારણની સહાય કરવામાં આવી
- 2017થી આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના 97 હજારથી પણ વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો
- સરકાર દ્વારા આવા જ શુભાશય સાથે કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં મૂકવામાં આવી
- દરેક ખેડૂતને 45 કિલો યુરિયા, 50 કિલો એનપીકે, 50 કિલો એમોનિયા સલ્ફેટ, 88 કિલો મકાઇનું હાઇબ્રીડ બિયારણ આપવામાં આવ્યુ
દાહોદઃ ખેડૂતોને ઉત્તમ બિયારણ, સારૂ ખાતર અને સાથે જરૂરી તાલીમ પણ મળે તો મબલખ ઉત્પાદન મેળવે છે અને તેની આર્થિક ઉન્નતિના દ્વાર ખૂલે છે. સરકાર દ્વારા આવા જ શુભાશય સાથે કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના અનેક ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા હોવાના કારણે વર્ષ 2020-21 માં દાહોદ જિલ્લાના 19, 500 આદિવાસી ખેડૂતોને 6.82 કરોડના ખાતર, બિયારણની સહાય કરવામાં આવી છે. જેમાં દરેક ખેડૂતને 45 કિલો યુરિયા, 50 કિલો એનપીકે, 50 કિલો એમોનિયા સલ્ફેટ, 88 કિલો મકાઇનું હાઇબ્રીડ બિયારણ આપવામાં આવે છે. આ કીટ દરેક લાભાર્થી ખેડૂત દીઠ રૂપિયા 3598ની કિંમતની થાય છે. આ માટે ખેડૂતોને રૂપિયા 500નો ફાળો આપવાનો રહે છે.
દાહોદ જિલ્લાના સેકડો ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી મબલખ ઉત્પાદન મેળવીને સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ યોજનાના લાભાર્થીના પ્રતિભાવ જાણીએ.
લીમખેડા તાલુકાના અંધારી ગામના મહિલા ખેડૂત ભાભોર મઇલાબેન બળવંતભાઇ જણાવે છે કે, અમે પહેલા દેશી મકાઇનું બિયારણથી ખેતી કરતા હતા. ઉત્પાદન જોઇએ તેટલું મળતું નહોતું. પરંતુ કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત અમને ખાતર અને બિયારણ મળ્યા છે. તેનો ઉપયોગ કરીને ખેતી કરતા આ વર્ષે ખૂબ સરસ ઉત્પાદન થયું છે. અને અમારી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
લીમખેડા તાલુકાના જ દાભડા ગામના ખેડૂત મથુર જોખનાભાઇ બીલવાળ જણાવે છે કે, સરકારે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત અમને ખાતર અને મકાઇના બીજ આપ્યા છે. સાથે અમને સરકાર પાસેથી વૈજ્ઞાનિક ખેતી કરવા માટે તાલીમ પણ મળી છે. પહેલા જયારે જૂની ઢબથી ખેતી કરતા હતા, ત્યારે સાવ ઓછું ઉત્પાદન મળતું હતું, હવે સરકારની આ યોજનાનો લાભ મળવાથી ખૂબ ઊંચુ ઉત્પાદન મેળવી શકયા છે. અમારી આવકમાં પણ સારો વધારો થયો છે. વર્ષ 2017થી આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાના 97 હજારથી પણ વધારે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવ્યો છે.