- ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં બની હતી અમાનવીય ઘટના
- પરિણીતાને માર મારીને વરઘોડો કાઢવાના કિસ્સામાં 14 આરોપીઓ ઝબ્બે
- 14 પૈકી 3 આરોપીઓ સગીર, અન્ય 11ને 16 જુલાઈ સુધીના રિમાન્ડ
દાહોદ : જિલ્લામાં સ્ત્રી અત્યાચારના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે. એવામાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલા ખજૂરી ગામે પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને ગામ વચ્ચે ઢોર માર મારીને તેણીના કપડા ફાડી નાંખવામાં આવ્યા હતા અને પતિને ખભે બેસાડીને આખા ગામમાં ફેરવી હતી. આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડતા ખુદ મુખ્યપ્રધાન રૂપાણીએ ગૃહ વિભાગને આ ઘટનામાં દાખલો બેસાડાય તે પ્રકારે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે પરિણીતાએ નોંધાવેલી 19 લોકો વિરૂદ્ધની ફરિયાદ પૈકી પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે અને કોર્ટ સમક્ષ રજૂ કરીને 16 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
શું હતો સમગ્ર મામલો
ધાનપુરના ખજૂરી ગામે રહેતી 23 વર્ષીય પરિણીતા થોડા સમય અગાઉ પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારબાદ 6ઠ્ઠી જુલાઈના રોજ પરિણીતાને પકડીને ખજૂરી ગામે લાવવામાં આવી હતી. જ્યાં તેણીને લોકો ભેગા થઈને હાથ અને લાકડીઓ વડે માર માર્યો હતો. આ ઘટનાના વાઇરલ થયેલા વીડિયોમાં આસપાસમાં લોકો ચિચિયારીઓ પાડતા અને માર મારનારાઓને પ્રોત્સાહિત કરતા નજરે પડ્યા હતા. વીડિયો ધાનપુરના ખજૂરી ગામનો હોવાનું સામે આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ભોગ બનનારી મહિલાની મુલાકાત લીધી હતી. જ્યારબાદ પરિણીતાએ પતિ સહિત 19 લોકોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો - દાહોદના ધાનપુરમાં પ્રેમી સાથે ભાગેલી પરિણિતાને ક્રૂર સજા
ઘટનાને પગલે રાજકીય માહોલ પણ ગરમાયો
દાહોદમાં બનેલી આ અમાનવીય ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા. ગઈકાલે બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ગૃહ વિભાગને 'દાખલો બેસાડાય' તે પ્રકારે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો કરીને સરકાર ઊંઘતી ઝડપાઈ હતી. રાજ્યકક્ષાએથી કડક કાર્યવાહીની સૂચના મળતા પોલીસે ત્વરિત કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો - દાહોદની ઘટનાના પડઘા કેબિનેટમાં, સરકારે કડક કાર્યવાહીની આપી સૂચના, કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન
કુલ 19 આરોપીઓ પૈકી 3 સગીર, 16 જુલાઈ સુધીના રિમાન્ડ
પરિણીતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તે જ દિવસે 19 પૈકી 6 લોકોની અટકાયત કરી હતી. જ્યારે ઉચ્ચ કક્ષાએથી સઘન કાર્યવાહીની સૂચના મળતા પોલીસે 24 કલાકમાં કુલ 14 લોકોની ધરપકડ કરી છે. આ 14 લોકો પૈકી 3 સગીર હોવાથી પોલીસે તેમને જુવેનાઈલ જસ્ટિસ હોમના હવાલે કર્યા છે. જ્યારે 11 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 16 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.