- સેલવાસમાં રેતી માફિયા સામે મહેસૂલ વિભાગની લાલ આંખ
- ગેરકાયદેસર રેતીનું ખનન કરતા રેતી માફિયાઓ પર દરોડા
- મહેસૂલ વિભાગે રેતી માફિયાઓના લાખોના સાધનો કબજે કર્યા
સેલવાસઃ દાદરા નગર હવેલી અને દમણ દીવ મહેસૂલ વિભાગ ખાનવેલે ગેરકાયદેસર અને બેફામ રીતે રેતીનું ખનન કરતા રેતીમાફિયાઓ પર દરોડા કર્યા હતા. આ સાથે જ મહેસૂલ વિભાગે લાખોના સાધનો પણ જપ્ત કર્યા છે. દાદરા નગર હવેલીના ખાનવેલ મહેસુલ વિભાગ હસ્તક આવતા નીચલા મેઢા ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરી તેને વેચવાની પ્રવૃત્તિ ચાલતી હતી, જેના પર મહેસૂલ વિભાગે દરોડો પડ્યો હતો. આ દરોડા દરમિયાન આરડીસી રિશિતા ગુપ્તા મામલતદારની ટીમ સાથે જગ્યા પર પહોંચી એ સમયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું.
લાખોની સાધન સામગ્રી જપ્ત કરી, રેતી માફિયાઓમાં ફફડાટ
મહેસૂલ વિભાગની ટીમે જગ્યા પરથી ગેરકાયદેસર રેતી ખનનનો સામાન કબજે કર્યો હતો, જેમાં મોટી રેતી ભરવા માટે ઉપયોગમાં લેવાતી 6 હોડી, નાના લોખંડના પાઈપ સાથે 6 મશીન બોટ, બે ટ્રક અને અન્ય સામાન જપ્ત કરી પોલીસ વિભાગને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રખોલી દમણગંગા નદીમાંથી ગેરકાયદે રેતી ચોરીનું મોટુ રેકેટ ઝડપાયું હતું. આને જોતા અહીં પણ મોટા પાયે રેતીની ખનન કરી વેચી દેવામાં આવી હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. તો મહેસૂલ વિભાગની રેડ બાદ સંઘ પ્રદેશમાં ગેરકાયદેસર રેતી-માટી ખનન કરી બરોબર વેંચતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.