કચ્છઃ શું આપને લોગો ડિઝાઇન કરતા કે સ્કેચ બનાવવાનું પસંદ છે? તો તમે જીતી શકો છો 21000 રૂપિયાનું ઇનામ. જી હાં ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે ત્યારે હવે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકા માટે લોગો ડિઝાઇન નાગરિકો પાસેથી મંગાવવામાં આવી છે અને જે વ્યક્તિનો લોગો પસંદ કરવામાં આવશે તેને 21,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તો આ ચેલેંજના શું ક્રાઈટેરિયા, ગાઇડલાઈન અને એલીજીબિલિટી છે તે જાણો આ અહેવાલમાં.
1લી જાન્યુઆરી વર્ષ 2025ના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામની નગરપાલિકાને પણ મહાનગરપાલિકા તરીકે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ મહાનગરપાલિકા માટે નવા લોગો માટે એક ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે લોગો ચેલેન્જ
કચ્છના આર્થિક પાટનગર લેખાતાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થઈ છે. ગત વર્ષે ગુજરાતના બજેટમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન લોગો ડિઝાઇન ચેલેન્જ લાવવામાં આવ્યું છે. જેમાં જે વ્યક્તિનો લોગો પસંદ કરવામાં આવશે તેને 21,000નો ઇનામ મળશે.
ગાંધીધામ શહેરની ભાવના, સંસ્કૃતિ અને આકાંક્ષાઓને કેપ્ચર કરવાના હેતુથી ચેલેન્જ
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશને વાઇબ્રન્ટ ગાંધીધામ શહેરની ભાવના, સંસ્કૃતિ અને આકાંક્ષાઓને કેપ્ચર કરવાના હેતુથી લોગો ડિઝાઇન ચેલેન્જની જાહેરાત કરી છે. આ પહેલ ગાંધીધામની ઓળખ અને દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરતો લોગો ડિઝાઇન કરવા માટે નાગરિકો પાસેથી સર્જનાત્મક વિચારો અને પરિપ્રેક્ષ્યની અપેક્ષા રાખે છે.
લોગોમાં શું હોવું જોઈએ?
કચ્છ જિલ્લાને એક જીવંત, બહુસાંસ્કૃતિક અને કોસ્મોપોલિટન પોર્ટ સિટી તરીકે ગાંધીધામની ઓળખને સમાવી લેતો આકર્ષક અને વિશિષ્ટ લોગો બનાવવા માટેની ચેલેન્જ રાખવામાં આવી છે. આ લોગોમાં ગાંધી સમાધિના મહત્વને આવરી લેતો હોય તેમજ ગાંધીધામના ઔદ્યોગિક પ્રાધાન્યતાને પણ સમાવી લેતો હોય તેવા લોગોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ લોગો એકતા, પ્રગતિ અને સાંસ્કૃતિક વિવિધતાના પ્રતીક તરીકે પ્રદર્શિત થાય તેવી અપીલ પણ રાખવામાં આવી છે.આ લોગો આધુનિક શહેરી હબ તરીકે ગાંધીધામની ભૂમિકા અને ટકાઉ વૃદ્ધિ અને સમુદાય વિકાસ માટેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતો હોવો જોઈએ તેવી ગાઈડલાઈન પણ રાખવામાં આવી છે.
કોણ કોણ આ ચેલેન્જમાં ભાગ લઈ શકશે?
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે લોગો ચેલેન્જમાં તમામ વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને પેઢીઓના લોકો ભાગ લઈ શકશે તો ચેલેન્જમાં ભાગ લેવા ઉંમર, રાષ્ટ્રીયતા પર કોઈ નિયંત્રણ રાખવામાં આવ્યો નથી પરંતુ લોગો ડિઝાઇન કરનાર ભારતનો રહેવાસી હોવો જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે.
સબમિશન માર્ગદર્શિકા
- ડિઝાઇન વિશિષ્ટતાઓ: લોગો ઓરિજનલ અને યુનિક હોવો જોઈએ.આ લોગો હાઈ-રીઝોલ્યુશન ફોર્મેટમાં સબમિટ કરેલું હોવું જોઈએ અને આ લોગોની ફાઈલ ફોર્મેટ JPEG, PNG અને વેક્ટર ફાઇલ ફોર્મેટમાં હોવું જોઈએ. તેમજ સબમિટ કરાવેલ લોગો અંગે 100થી 150 શબ્દોમાં સંક્ષિપ્ત વર્ણન પણ મોકલવાનું છે જેમાં સબમિટ કરાવેલ લોગોના કોન્સેપ્ટ અને એલીમેન્ટ્સ અંગે જણાવવાનું રહેશે.
- તકનીકી આવશ્યકતાઓ: ભાગ લેનાર વ્યકિતએ સબમિટ કરાવેલ લોગોનું રિઝોલ્યુશન ન્યૂનતમ 300 DPI રાખવાનું રહેશે તો તેના રંગ CMYK પ્રિન્ટ માટે પ્રાધાન્યવાળા હોવા જોઈએ તો લોગોની મહત્તમ ફાઇલ સાઈઝ 10 MB ની હોવી જોઈએ.
- સબમિશન મર્યાદા: આ લોગો ડિઝાઇન ચેલેન્જમાં ભાગ લેનાર વ્યક્તિ બે ડિઝાઇન સબમિટ કરી શકશે.
- સબમિશન પોર્ટલ: લોગો ડિઝાઇન કરનાર વ્યકિતએ અહીં આપેલ લિંક પર ઓનલાઈન ફોર્મ દ્વારા પોતાની ડિઝાઇન અપલોડ કરી શકે છે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeG5_Bq9Y-oAYo1BpYxSPgcwn0LGwlcSiFSX-JcgQ2i49xM5w/viewform
10મી જાન્યુઆરી 2025 સુધી એન્ટ્રી સબમિટ કરાવી શકાશે
આ ફોર્મમાં ભાગ લેનાર વ્યકિતએ પોતાનું નામ, સંપર્ક વિગતો અને ઇમેઇલ સરનામું પણ આપવાનું રહેશે. આ લોગો ડિઝાઇન ચેલેન્જના સબમિશનની અંતિમ તારીખ 10મી જાન્યુઆરી 2025 સુધીની રહેશે.
નિર્ણાયક સૂચનો
આ લોગો ડિઝાઇનના નિર્ણાયક માપદંડ અંગે વાત કરવામાં આવે તો આ લોગો ડિઝાઇનનું મૂલ્યાંકન સર્જનાત્મકતા અને મૌલિક્તા આધારિત હોવું જોઈએ. ગાંધીધામની થીમ અને વિઝન સાથે સબંધિત હોવું જોઈએ. વિવિધ ઉપયોગો માટે વર્સેટિલિટી અને માપનીયતા મુજબ હોવું જોઈએ તેમજ એકંદરે આ લોગો જોતા જ કોઈ મહાનગરપાલિકાનો લોગો હોય તેવી સ્પષ્ટતા તેમજ અપીલ કરતો હોવો જોઈએ.
વિજેતાને 21,000નું ઇનામ
આ લોગો ડિઝાઇન ચેલેન્જમાં જે પણ પાર્ટિસિપન્ટનો લોગો પ્રથમ ક્રમાંકે પસંદ કરવામાં આવશે તેને 21,000 રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે.તેમજ સત્તાવાર લોગો લોન્ચ ઇવેન્ટમાં પણ તેને સન્માનિત કરવામાં આવશે તેમજ સ્થાનિક મીડિયા અને GMCની પ્રમોશનલ સામગ્રીમાં પણ ઉપયોગમાં લેવામાં આવશે. તો જે પાર્ટિસિપન્ટના લોગો માર્ગદર્શિકાને પૂર્ણ કરતા હશે તે પાર્ટિસિપન્ટને ભાગ લેવા માટેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
નિયમો અને શરતો:
આ ચેલેન્જમાં ભાગ લેનાર દરેક પાર્ટિસિપન્ટે સંમત થવું પડશે કે જે વિજેતા લોગો હશે તે હવે GMC ની મિલકત બની જશે. જો જરૂરી જશે તો વિજેતા ડિઝાઇનમાં ફેરફાર કરવાનો અધિકાર પણ GMC પાસે રહેશે.એન્ટ્રીઓ ઑરીજનલ હોવી જોઈએ અને કોઈપણ કોપીરાઈટ અથવા તૃતીય-પક્ષ અધિકારોનું સબંધિત ના હોવી જોઈએ. જીએમસી કોઈપણ સબમિશનને નકારવાનો અધિકાર અનામત રાખે છે જે નિયમોનું અને માર્ગદર્શિકાનું પાલન કરતું નથી.
કેવી રીતે ભાગ લેશો?
પાર્ટિસિપન્ટે આ ચેલેન્જમાં ભાગ જેવા માટે માર્ગદર્શિકા મુજબ પોતાનો લોગો ડિઝાઇન કરવાનો રહેશે અને પોતાની એન્ટ્રી ઓનલાઈન ફોર્મની લિંકમા ફોર્મ દ્વારા સબમિટ કરવાની હરેશે તેમજ કોઈપણ સંબંધિત પ્રશ્નો માટે WhatsApp નંબર +91-8511184650 પર કોન્ટેક્ટ કરવા માટે જણાવવામાં આવ્યું છે.