ભાવનગર : ટૂંક સમયમાં જ ભાવનગર શહેરની સુંદરતામાં વધારો થવા જઈ રહ્યો છે, એ પણ ભંગારમાંથી. ભાવનગર મહાનગરપાલિકાએ શહેરમાં સ્ક્રેપમાંથી વિવિધ પ્રતિમા બનાવવાની શરૂઆત કરી છે. આ પ્રતિમા બનાવવા માટે કરોડોનો ખર્ચ કરી મનપાએ શહેરના સર્કલ સહિત વિવિધ જાહેર સ્થળોને આકર્ષક બનાવવાનો પ્રયાસ કર્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સોશિયલ મીડિયા પર ફોટા મૂક્યા: ભાવનગર મહાનગરપાલિકા આગામી દિવસોમાં 30 સ્થળો ઉપર વિવિધ પ્રકારની પ્રતિમાઓ ભંગારમાંથી બનેલી મૂકવા જઈ રહી છે તે પૈકીના કેટલાક તૈયાર થયેલા પ્રતિમાઓના ફોટાઓને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા દ્વારા ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમ ઉપર જાહેરમાં મુકવામાં આવ્યા છે. મૂકવામાં આવેલા ફોટા પણ લોકોનું આકર્ષણ વધારે તેવા છે ત્યારે આ પ્રતિમાઓ સર્કલમાં લાગતા જ લોકોનું મન મોહીલે તેવું જરૂર લાગી રહ્યું છે


સ્ક્રેપમાંથી શહેર બનશે સુંદર : ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના વિવિધ સર્કલ સહિત જાહેર સ્થળો પર વિવિધ કલાત્મક પ્રતિમા લગાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ પોતાની પાસે પડેલા લોખંડના ભંગારના સ્ક્રેપમાંથી જુદી જુદી વિવિધ પ્રતિમા બનાવી છે અને તેમાં વધુ ખર્ચ કરીને શહેરની શોભામાં વધારો કરવાનો પ્રયત્ન કર્યો છે. હાલમાં લાગેલી પ્રતિમાઓ આકર્ષણ જમાવી રહી છે.

3 કરોડના ખર્ચે 30 પ્રતિમા બનશે : ભાવનગર મહાનગરપાલિકાના સિટી એન્જીનીયર સી. સી. દેવમુરારીએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરની શોભા અને સુંદરતામાં વધારો થાય તે માટે અન્ય મહાનગરો મુજબ રૂપિયા 3 કરોડના ખર્ચે શહેરના જાહેર સ્થળ, ગાર્ડન, ટ્રાફિક આઇલેન્ડ પર જુદી જુદી થીમ આધારિત જુદી જુદી પ્રતિમા મૂકવાનું આયોજન છે. શહેરના 30 જગ્યાએ આવા સ્ટ્રક્ચર મૂકવામાં આવશે. જેથી ભાવનગર શહેરની સુંદરતામાં વધારો થશે.

કઈ જગ્યાએ કઈ પ્રતિમા બનશે ?
ભાવનગર શહેરમાં ઘોઘા સર્કલ પર લીફ, વેલેન્ટાઈન સર્કલ પર વુમન હેડ, ન્યારી ચોકડી પર બ્લેકબક (કાળિયાર), રૂપાણી સર્કલ પર પેન્ટર્ડ સ્ટોક, મોર અને હરણ, પાનવાડી ચોક પર પેલીકન, બટરફ્લાય પાર્ક પર બટરફ્લાય હેન્ડ, આખલોલ બ્રિજ પર સિંહ, ક્રેસન્ટ સર્કલ પર હાથી, આરટીઓ સર્કલ પર ડાયમંડ, જવેલ્સ સર્કલ પર મેક ઇન ઇન્ડિયા લોગો, સ્વામી વિવેકાનંદ સર્કલ પર તરું (વૃક્ષ), આતાભાઈ ચોક પર સ્ક્રેપ ટ્રેપ, અકવાડા ગુરુકુળ ટ્રાયએંગલ પર શિપ બનશે.


આ ઉપરાંત સીમ્સ હોસ્પિટલ પર SWM મેન, ટોપ થ્રી સર્કલ પર એન્કર, નવાપરા સર્કલ પર મહાત્મા ગાંધી, સરદારનગર સર્કલ પર સરદાર પટેલ, મેઘાણી ઓડિટોરિયમ પર સિતાર, કે. ડી, માણેક ટ્રાયએંગલ પર કાળિયાર અને ગાય, કાળાનાળા સર્કલ પર અશોકા પિલર, નિલમબાગ સર્કલ પર ચાર ઘોડા, શિવાજી સર્કલ પર રોયરિંગ લાયન, શિવાજી સર્કલ ઝોનલ ઓફીસ પર પૃથ્વી અને દિલબહાર ટાંકી કાળિયાબીડ પર મેપ ઓફ ઇન્ડિયા બનશે.

વેસ્ટમાંથી બેસ્ટ આધારિત પ્રતિમાઓની સ્થાપના : ભાવનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર સી. સી. દેવમુરારીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાનો સ્ક્રેપ જે પડ્યો હતો તેના આધારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ વેસ્ટમાંથી બેસ્ટ પ્રતિમા બનાવી શહેરના સર્કલ અને જાહેર સ્થળો પર લગાવવામાં આવી રહી છે. જે શહેરના શોભામાં વધારો કરનારી છે.