જુનાગઢ: ગીરના કેસરી અને કેસર કેરી પછી અત્યારે ચર્ચામાં છે. ગીરમાં બનતું ડ્રાયફ્રુટ, શુદ્ધ દેશી ઘી અને ગિરનારી ઔષધી સાથેનો માર્ચ મહિના સુધી ગીરમાં દેશી ગોળ બનાવવાના રાબડા ધમધમતા જોવા મળે છે. વર્ષોથી સામાન્ય ગોળ બની રહ્યો હતો, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્વાદ અને આધુનિકતા સાથે તાલ મળે તે માટે ખાસ ડ્રાયફુટ વાળો ગોળ બનાવવામાં આવી રહ્યો છે, જેને લોકો પણ પસંદ કરી રહ્યા છે.
ગીરમાં બને છે ડ્રાયફ્રુટ વાળો ગોળ
ગીરનું નામ પડતા જ ગીરના કેસરી અને કેસર કેરીની યાદ આવી જાય, તેની વચ્ચે હવે ત્રિવેણી સંગમ રૂપે ગીરમાં ખાસ ડ્રાયફ્રુટ વાળો ગોળ બનવાની શરૂઆત થઈ છે. પારંપરીક રીતે શેરડીની ખેતી કરતા ખેડૂતો સ્વયંમ પોતાના ખેતરોમાં દેશી ગોળ બનાવવાની પરંપરા સાથે છેલ્લાં કેટલાક વર્ષોથી જોડાયેલા છે. જેમાં ખાસ આધુનિક સમયને ધ્યાનમાં રાખીને તેમજ સ્વાદના શોખીનો માટે વિશેષ પ્રકારે ડ્રાયફ્રુટ ગોળ બનાવવામાં આવી રહ્યો છે.
પ્રારંભના વર્ષોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારવામાં આવેલા ડ્રાયફ્રુટ વાળા ગોળના પ્રોજેક્ટ ને હવે વ્યાપારિક ધોરણે વિસ્તારમાં આવ્યું છે. ગીરના બોરવાવ નજીક પ્રગતિશીલ ખેડૂત દ્વારા સુકામેવો, ગાયનું શુદ્ધ દેશી ઘી, સૂંઠ અને ગિરનારી ઔષધી અને મસાલા સાથેનો ગોળ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે સામાન્ય લોકોને પણ હવે પસંદ આવી રહ્યો છે.
![ગીરમાં સુકામેવા સાથે બની રહ્યો છે દેશી ગોળ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-01-2025/23274096_th-2.jpg)
સ્વાદ અને આધુનિકતા સાથે ગોળે પણ મિલાવ્યા કદમ
આધુનિક સમયમાં આજે સ્વાદના શોખીનો અવનવી રીતે પારંપરીક અને નવી વાનગીઓને સ્વીકારતા થયા છે, ગીર વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી દેશી ગોળ બનાવવામાં આવતો હતો, પરંતુ હવે તેમાં સ્વાદના શોખીનોને ધ્યાને રાખીને સુકા મેવા ગાયનું શુદ્ધ દેશી ઘી ગિરનારી ઔષધી અને અન્ય મસાલાનો ઉપયોગ કરીને નવેમ્બર મહિનાથી શરૂ કરીને માર્ચ મહિના સુધી સ્પેશિયલ ડ્રાયફ્રુટવાળો ગોળ બનાવવામાં આવી રહ્યો છે. જે સ્વાદમાં અન્ય ગોળ કરતા અલગ તરી આવે છે. વધુમાં શિયાળામાં તે અડદિયા જેવો સ્વાદ પણ આપે છે, જેથી લોકો ટ્રાયફ્રુટ વાળા ગોળને વધુ પસંદ પણ કરી રહ્યા છે.
![પ્રતિ દિવસ 50 થી 75 કિલોનું રિટેલ વેચાણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-01-2025/23274096_th-1.jpg)
પ્રતિ દિવસ 50 થી 75 કિલોનું રિટેલ વેચાણ
ડ્રાયફ્રુટ અને શુદ્ધ દેશી ઘી સાથે બનાવવામાં આવેલા ગોળનું રીટેલમાં વેચાણ ફેક્ટરીના આઉટલેટ પરથી સામાન્ય ગોળ કરતાં ચોક્કસ પણે થોડું ઓછું જોવા મળે છે. પરંતુ આજે પણ પ્રતિ દિવસ 50 થી 75 કિલો ડ્રાયફ્રુટ વાળો ગોળ રીટેલમાં વેચાઈ રહ્યો છે. જેની સામે સાદો ગોળ 150 થી 200 કિલો વેચાણ ધરાવે છે. ડ્રાયફ્રુટ વાળા ગોળની બજાર કિંમત પ્રતિ કિલો 120 રૂપિયા કંપનીના આઉટલેટ પર રાખવામાં આવી છે. પરંતુ છૂટક બજારમાં અન્ય વિક્રેતાઓ દ્વારા આ ગોળ 150 થી લઈને 170 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. ડ્રાયફ્રુટવાળા ગોળનું પેકિંગ 950 ગ્રામ કરવામાં આવે છે. જે ઠંડીમાં ત્રણથી ચાર મહિના સુધી એકદમ સુરક્ષિત રીતે રાખી અને તેનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય ફ્રીજમાં એક વર્ષ સુધી આ ગોળને રાખી અને તેનો ઉપયોગ કરી શકાય છે.