અમદાવાદ: વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ વિદેશી ભાષા શીખવા માંગતા હોય છે, પરંતુ તે ભાષા ક્યાં શીખવી ? કેટલી ફી હશે ? સરખું શીખવા મળશે કે નહીં ? જે સંસ્થામાં તેઓ ભાષા શીખે છે તે સંસ્થા કુશળ હશે કે નહીં ? સહિતના પ્રશ્નો તેમને થતા હોય છે ત્યારે આવો તમને એક એવી જગ્યા વિશે જણાવીએ કે જ્યાં એક જ છત હેઠળ 9 વિદેશી ભાષા સહિત 12 ભારતીય ભાષાઓ શીખવવામાં આવે છે જેની ફી માત્ર 4,000 થી 7,000 સુધીની છે.
ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો વિશિષ્ટ દરજ્જો ધરાવે છે વિદ્યાપીઠ
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી, ગૂજરાત વિદ્યાપીઠ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો વિશિષ્ટ દરજ્જો ધરાવે છે. ગૂજરાત વિદ્યાપીઠમાં વિવિધ પ્રકારના સ્નાતક કક્ષાથી લઈને પીએચડી સુધીના અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે.
ગૂજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં આવેલા ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય અને વિદેશી ભાષાઓ શીખવવામાં આવે છે. વિદેશી લોકો પણ ભારતીય ભાષા શીખવા માટે ગૂજરાત વિદ્યાપીઠને પસંદગી આપ્યા હોય એના પણ અઢળક ઉદાહરણો જોવા મળે છે.
ભારતીય અને વિદેશી ભાષાઓના શોર્ટ ટર્મ કોર્સ
ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનના ડિરેક્ટર ડૉ. દિવ્યેશ ભટ્ટે ઇટીવી ભારત સાથે આ સંદર્ભે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના આ ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનમાં ભારતીય ભાષા સહિત કેટલીક વિદેશી ભાષાઓના શોર્ટ ટર્મના કોર્સ ચલાવવામાં આવે છે, જે ત્રણ અને ચાર મહિનાના સમયગાળાના હોય છે.
એશિયા, યુરોપ અને મિડલ ઇસ્ટની ભાષાઓ શીખવવામાં આવે છે
વિદેશી ભાષાનો કોર્સ ત્રણ મહિનાનો હોય છે, જેમાં યુરોપિયન ભાષાઓમાં ઈંગલિશ, જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ જેવી ભાષાઓ શીખવવામાં આવે છે, એશિયન ભાષાઓમાં જાપાનીઝ, રશિયન અને ચાઈનીઝ ભાષા પણ અહીં શીખવવામાં આવે છે. મિડલ ઇસ્ટની પર્શિયન અને અરબીક ભાષાઓ શીખવવામાં આવે છે.
ત્રણ મહિનાના કૉર્સ, વિદ્યાર્થીને એલિમેન્ટરી લેવલથી શિક્ષણ
આ સંસ્થાન પોતાની રીતે એક વિશિષ્ટ પ્રકારનું સંસ્થાન એવી રીતે કહી શકાય કે એક જ છત હેઠળ આટલી બધી ભાષાઓ શીખવાતી હોય તેવું આ એક વિશિષ્ટ પ્રકારનુ સંસ્થાન છે. અહીં વિદેશી ભાષા માટે ત્રણ મહિનાનો કોર્સ હોય છે જેમાં વિદ્યાર્થીને એલિમેન્ટરી લેવલથી શીખવવામાં આવે છે.
કોર્સના અંતે એક પરીક્ષા અને પાસ થતાં પ્રમાણપત્ર
કૉર્સના અંતે એક નાનકડી પરીક્ષા હોય તે પરીક્ષામાં મૌખિક અને લેખિત બંને પ્રકારની પરીક્ષા આપવાની રહે છે. પરીક્ષાના અંતે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. કૉર્સ પૂર્ણ કર્યા બાદ જો વિદ્યાર્થિની ઇચ્છા હોય તો તે એડવાન્સ કોર્સમાં પણ એડમિશન લઇ શકે છે.
એડમીશન માટેનું પ્રક્રિયા, સામાન્ય માહિતી ભરી એડમીશન મેળવી શકાશે
આપને જણાવી દઈએ કે એડમિશન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, તે માટે વિદ્યાર્થીઓ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનના ટેબ પર રજિસ્ટર ઍન્ડ પે પર જવાનું હોય છે જ્યાં વિદ્યાર્થી સામાન્ય માહિતી ભરીને ઓનલાઇન મોડમાં પેમેન્ટ કરી શકે છે. જેના માટે રજીસ્ટ્રેશન લિંક આ મુજબ છે 'https://gujaratvidyapith.org/gvppayment/sbi'
વિદેશી અને ભારતીય ભાષા શીખવા માટેની ફી ની જો વાત કરવામાં આવે તો જો વિદેશી ભાષા અને ભારતીય ભાષા શીખવા માટેની ફી ની વાત કરવામાં આવે તો વિદેશી ભાષા શીખવા માટે ફી 7,000 રૂપિયા છે ત્યારે કોઈ પણ ભારતીય ભાષા શીખવા માટેની ફી 4,000 રૂપિયા રહે છે.
હાલ પ્રવેશ પ્રક્રિયા શરૂ
હાલ પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે આવનારી 16 જાન્યુઆરી સુધી ઓનલાઇન શરૂ રહેશે જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેઓ ઓનલાઇન ઉપર જણાવેલ પ્રક્રિયા કરીને પ્રવેશ મેળવી શકે છે.