સેલવાસની ખાનગી શાળામાં ધોરણ 11મા અભ્યાસ કરતો વિદ્યાર્થી ગત 29મી ફેબ્રુઆરીના રોજ કોઈને કંઈ પણ જણાવ્યા વિના ક્યાંક ચાલ્યો ગયો હતો અને પોતાનો મોબાઈલ પણ સાથે લઈ ગયો હતો. જેના લોકેશન આધારે પહેલા નડિયાદ બાદ અજમેર અને બિહાર નેપાળ બોર્ડર પર પહોંચ્યો હતો. મોબાઈલ અને ડિજિટલ સર્વેલન્સમાં લોકેશન મળતાં સેલવાસ પોલીસ યુવકને શોધી કાઢી પરત સેલવાસ લાવી છે.
આ યુવકના ગુમ થયા બાદ પોલીસ તપાસમાં આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાન માટેના પોતાના નોટબુકમાં લખાણ લખ્યાં હોવાની વિગતો મળતા પોલીસ વિભાગ અને ગુપ્તચર એજન્સીઓ ગંભીરતાથી તપાસમાં જોતરાઈ હતી.
સૂત્રો પાસે મળતી માહિતી મુજબ, માતા-પિતાનો આ એકનો એક છોકરો છે, જેના પર વાલીઓ દ્વારા અનેક પાબંધીઓ લાદવામાં આવી હોવાથી, માનસિક તાણમાં આવી ઘરેથી જતો રહ્યો હતો. જ્યારે હાલ સેલવાસ પોલીસે યુવક ખરેખર ક્યાં કારણોસર ઘરેથી જતો રહ્યો હતો, તે અંગે પૂછપરછ હાથ ધરી છે. આમ, માતાપિતાની પાબંધીઓમાં માનસિક તાણ કે, આતંકવાદી સંગઠનો દ્વારા કરાયેલું બ્રેઇનવોશ આ બને કારણો દેશના અન્ય તમામ માતાપિતા માટે લાલબત્તી સમાન છે.