છોટાઉદેપુર : જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડબ્બા ગામના સીતાવાળા ફળિયામાં પાણી માટે સમસ્યા લોકોને હેરાનપરેશાન કરી રહી છે. પાણી માટે વયસ્કો જ નહીં નાના બાળકો પણ રઝળપાટ કરે છે. એવામાં પાણી મેળવવા માટે બની રહેલા કૂવો ખોદવાના કામમાં નાના બાળકો જોતરાતાં જોવા મળ્યાં છે. હાલમાં વેકેશન છે ત્યારે બાળકો મદદ કરી રહ્યાં છે પરંતુ શાળાઓ ચાલુ હોય ત્યારે પણ ઘણીવાર બાળકોએ આ પ્રકારે પાણી મેળવવા માટે શ્રમ કરવો પડતો હોય છે.
બાળકો પણ કૂવો ખોદાવે છે : ડબ્બા ગામના સીતાવાળા ફળિયામાં માત્ર એક જ હેન્ડ પંપ છે. તે પણ હાલ તો બંધ હોઇ ફળિયાના લોકો ભેગા મળી શ્રમયજ્ઞ કરી કૂવો ખોદી રહ્યા છે. જેમાં જે માસૂમ બાળકોના હાથમાં અભ્યાસ કરવા માટે ચોપડી હોવી જોઇએ તે બાળકોના હાથમાં પાવડા તિકમ લઈને પાણી માટે કૂવો ખોદાવવામાં પરિવારને મદદ કરી રહ્યા છે.
ભૂગર્ભ જળ ઊંડા જતાં રહ્યાં છે : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં ડબ્બા ગામે ઉનાળાના મધ્યાહ્નને જ ડુંગરો વચ્ચે વસતી આદિવાસી પ્રજાને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. ડબ્બા ગામે સીતાવાળા ફળિયામાં ગ્રામજનોને પીવાના પાણી મેળવવા જાતે કૂવો ખોદવો પડ્યો છે. ઉનાળો આકરો બનતા ભૂગર્ભ જળ ઊંડા જવા લાગતા આ આદિવાસી વસ્તીને કૂવો થોડા થોડા દિવસે ઊંડો કરવો પડે છે.
ગામમાં પાણી ભરવા જાય છે તો પાણી લઈને આવતા બપોર થઇ જાય છે એટલે બાળકોને પણ ભણાવી શકતા નથી. ફળિયામાં પાણી મળતું નથી. એક બોર કરેલો તેમાં પાણી આવતું નથી. ગામમાં પાણી ભરવા જાય તો બપોર થઇ જાય છે. બાળકોને આ કારણથી ભણવા મોકલી શકાતા નથી. પાણી મેળવવા ગામમાં જાતે કૂવો કર્યો છે. તેમાં પાણી વારેવારે ઉતરી જતા તેને અમારે જાતે ખોદીને ઊંડો કરવો પડે છે...ચાંદલીબેન ભીલ (સ્થાનિક મહિલા)
હેન્ડપમ્પ નાંખી આપવાની માગણી : અહીં પીવાના પાણી માટે એક પણ હેન્ડપમ્પ, બોર કે પાણીની મીની યોજના સુદ્ધાં કાર્યરત નથી. નલ સે જલ યોજનાનું કોઇ અસ્તિત્વ જ નથી.નળ પણ નથી અને જળ પણ નથી. આઝાદી કાળ પછી પણ આ એક માત્ર એવું ગામ છે કે જ્યાં આદિવાસીઓ પોતાના ઘરના નાના માસૂમ ભૂલકાંઓની મદદ લઇ કૂવો ઊંડો કરી પોતાના માટે અને પોતાના પશુઓ માટે પીવાનું પાણી મેળવે છે. અહીંના રહીશોએ સીતાવાળા ફળિયામાં નવીન બોર કે એકાદ હેન્ડપમ્પ નાખી અપાય તો આ કાયમી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગણી કરી છે.
જીવીશું તો ભણીશું : ડબ્બા ગામે રૂબરૂ મુલાકાત લેતા પાણી પુરવઠા મિકેનીકલ વિભાગની પીવાના પાણીની જરૂરત સંતોષવા થતી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ છે. બાળકોના હાથમાં પરિવારજનો માટે પીવાનું પાણી મેળવવા કૂવામાંથી કાદવ કિચ્ચડ અને માટી કાઢવા કોદાળી,તગારા ઉચકેલા જણાયા હતાં. તમે બાળકોને ભણવા સ્કૂલમાં કેમ મોકલતા નથી? આકરી મજૂરીમાં કેમ સામેલ કરો છો? એવું પૂછાયું તો ગામજનોએ કહ્યું કે, અમારા માટે પીવાનું પાણી જ પ્રાથમિકતા છે. જીવીશું તો ભણીશું. બાળકો જો કૂવો ખોદવા સાથ ન આપે તો અમે કૂવો ન ખોદી શકીએ. આ અમારી મજબૂરી છે.
પાણી માટે રઝળપાટ : ડબ્બા ગામના સીતાવાળા ફળિયામાં પીવાના પાણી માટે વહેલી સવારથી જ દોડાદોડ શરૂ થઇ જાય છે.જ્યારે આદિવાસી ગ્રામજનો સામૂહિક શ્રમ યજ્ઞથી ખોદેલો કુવો પાણી ઉતરવા લાગે અને વધુ ઊંડે ખોદવાની કામગીરી હાથ પર લેવા.ય ત્યારે બે કીમી દૂર અન્ય સોર્સ પરથી આકરા તાપમાં ચાલીને મહિલાઓ બેડાં ભરી લાવે છે. ગરીબ આદિવાસીઓ શ્રમ કરી રોજગાર મેળવવા દોડાદોડ કરે તે વચ્ચે પીવાના પાણીની આ દડમજલની તંત્રને ખબર પણ નથી.