- એક અઠવાડિયાથી મુખ્ય માર્ગ પર પાણી ઉભરાતાં રહીશો પરેશાન
- વારંવાર તંત્રમાં રજુઆત છતાં પરિણામ શૂન્ય
- ગટરનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજની માગ
છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે છેલ્લા એક અઠવાડિયાથી હાઈસ્કૂલ રોડ પર રહેણાંક વિસ્તારોમાંથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. ગટરના ઉભરાતા પાણીનું સમારકામ કરાવવાનો સમય પણ પંચાયતના સત્તાધીશો પાસે નથી. એક તરફ કોરોના મહામારી સહીત શરદી,ખાંસી,તાવ જેવા રોગોએ માથું ઉચક્યું છે. ત્યારે ગ્રામજનોના આરોગ્યની ચિંતા ગ્રામ પંચાયતના શિરે આવી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ પંચાયતોને ગામ સ્વચ્છ અને સુઘડ રાખવા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ પંચાયતના સત્તાધીશો સ્વચ્છતા બાબતની કામગીરી કરવામાં આળસ રાખી રહ્યાં છે.
- કોઇ રજૂઆત ધ્યાને લેવાતી નથી
ચલામલીના હાઈસ્કૂલ રોડ પર હાલ ઉભરાતું ગટરનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારના લોકો માટે માથાનો દુખાવો સમાન બન્યું છે. ગટરના ઉભરાતાં ગંદા પાણીથી રોગચાળો ફાટી ન નીકળે તેવો ગ્રામજનોને અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓને ભય સતાવી રહ્યો છે. પંચાયતના સત્તાધીશો પોતાની આળસ ખંખેરી ગ્રામજનોના હિતમાં વહેલીતકે ગટરનું સમારકામ કરવામાં આવે તેવી માગ ઊઠી છે. તેમ થતાં વારંવાર તંત્રમાં રજૂઆતોને કોઇ સાંભળતું નથી અને પરિણામ શૂન્ય જ આવે છે. છેલ્લા અઠવાડિયાથી મુખ્ય રસ્તા પર ઉભરાતા પાણી અંગે આસપાસના રહીશો તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરાતા નથી. કોઈ મોટો રોગચાળો ફાટી નીકળશે ત્યાર બાદ તંત્ર જાગશે તેવી પંથકમાં ચર્ચા જાગી છે.