છોટા ઉદેપુર: નસવાડી તાલુકાના રાયપુર ગામની રેશનિંગની દુકાન (Ration Scam In Chhota Udepur) પર ગરીબોને હકનું અનાજ ન મળતા સૂત્રોચાર સાથે સંચાલક સાથે બોલાચાલી થઈ હતી. 'સરકાર તરફથી ગરીબોને પ્રધાનમંત્રી અન્ન યોજના (pradhanmantri anna yojana) હેઠળ મફત મળતું અનાજ પણ પૂરું મળતું નથી'ની વારંવાર ફરિયાદો ઊઠવા પામી છે. નસવાડી તાલુકાના ખુશાલપુરા ગામ (Khusalpura Village Nasvadi)ના રેશનકાર્ડ ગ્રાહકોને પૂરું અનાજ નહીં મળતાં સુત્રોચાર (Protest Against Ration Scam In Nasvadi) કરી અન્યાય સામે અવાજ ઊઠાવ્યો હતો.
પૈસા પુરા લે છે, અનાજ ઓછું આપે છે
નસવાડી તાલુકાના ખુસાલપુરા ગામની રેશનિંગની દુકાને રેશનકાર્ડ ધારકો અનાજ લેવા આવ્યાં હતાં, પરંતુ તેઓનાં હકના અનાજ કરતાં 2 કિલો ઓછું અનાજ આપતાં રેશનિંગની દુકાનના સંચાલક સાથે માથાકૂટ થતાં તુંતું મેંમેં સર્જાઈ હતી. લોકોએ 'અનાજ આપો, અનાજ આપો'ના સૂત્રો પોકાર્યા હતા. લોકોએ 'પૈસા પૂરા લઇ અનાજ ઓછું આપે'ના પણ સૂત્રો પોકાર્યા હતા. અનાજ લેવા આવેલા કાર્ડધારક પ્રેમિલાબેંન ભીલે જણાવ્યું હતું કે, "અમે જ્યારે પણ અનાજ લેવા આવીએ છે તો અમને અનાજ ઓછું આપવામાં આવે છે અને પૈસા પૂરા લે છે. અમે કોને કહેવા જઈએ. આજે ગામ લોકો ભેગા મળી અનાજ પૂરું આપવામાં આવતું નથી તેથી સૂત્રો પોકાર્યા છે."
આ પણ વાંચો: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પાસે નર્મદા કેનાલમાં નીલ ગાય દેખાતા કુતુહલ
અનાજ આપે છે તેની પાવતી આપવામાં આવતી નથી
રાયપુર ગામના સુરેશભાઈ ભીલ જણાવે છે કે, "અમારા રાયપુર ગામના લોકો ખુશલપુરા ગામની રેશનની દુકાને (Ration shop In Chhota Udepur) અનાજ લેવા જ્યારે પણ આવે તો ઓછું અનાજ આપવામાં આવતું હોવાથી અમે આજે ગામના લોકો ભેગા મળીને અનાજ લેવા આવ્યાં છીએ. આજે પણ ઓછું અનાજ આપવામાં આવતાં અમે ભેગાં મળી ઓછા મળતા અનાજ સામે અવાજ ઉઠાવ્યો છે. દુકાન સંચાલક જે અનાજ આપે છે તેની પાવતી પણ આપતો નથી અને વજન કાંટાનું મીટર દેખાય નહીં તેવી રીતે મૂકે છે. તો ગરીબ રેશનકાર્ડ ગ્રાહકો જાય તો જાય ક્યાં?" ઓછા મળતાં અનાજની અમે કોને ફરિયાદ કરવા જઈએ તેમ જણાવ્યું હતું.
મિટિંગમાં જવાનું છે કહીને સંચાલક રવાના
ગરીબ લોકોને હકનું અનાજ ઓછું આપવામાં આવે છે તે અંગે વાત કરતા દુકાનના સંચાલકે પણ કબૂલ્યું હતું કે, ગોડાઉનમાંથી કટ્ટામાં ઓછું અનાજ આવતું હોય છે અને કટ્ટાનું વજન કરતા 50 કિલો કરતા ઓછું વજન કાંટા પર જણાઈ આવ્યું હતું. ગામના ગરીબ રેશનકાર્ડ ગ્રાહકો બેઠા હોવા છતાં સંચાલક દુકાનને તાળું મારી નસવાડી મિટિંગમાં જવાનું છે તેમ કહીને રવાના થઈ ગયો હતો. ગામ લોકોએ નસવાડી મામલતદાર, પૂરવઠા વિભાગને આ અંગે જાણ કર્યાના 3 કલાક બાદ પણ તંત્રમાંથી કોઈ સ્થળ પર પહોંચ્યું નથી.