- સીસીઆઈના નવા નિયમને કારણે ખેડૂતો મુશ્કેલીમાં
- નવા નિયમને લઈ ધારાસભ્ય અભેસિંહ તડવી કરશે સરકારમાં રજૂઆત
- બોડેલી એપીએમસી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના સાધનો લઈ આવ્યા
- ખેડૂતો, નેતાઓ, એપીએમસી સંચાલકો સહિત ખેડૂત આગેવાનો કપાસની ખરીદી ઉપર અંકુશ હટાવવાની કરી માંગ
છોટાઉદેપુરઃ બોડેલી એપીએમસી જયાં કપાસ વેચવા આવેલા ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી છે. પરંતુ સીસીઆઈના નવા નિયમ મુજબ આ તમામ ખેડૂતો પોતાની મહામહેનતે પકવેલા પાકને ટેકાના ભાવે નહિ વેચી શકે. સીસીઆઈ દ્વારા 24 મી ડિસેમ્બરે પરિપત્ર જાહેર કરી રાજ્યમાં 29 કેન્દ્રો ફકત 5000 ગાંસડી પ્રતિ દિન કપાસની જ ખરીદી કરી શકશે. હાલ માત્ર છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના આઠ કેન્દ્રોમાં રોજની અંદાજે 10 હજાર ગાંસડી કપાસની આવક થાય છે. જ્યારે સીસીઆઈના નવા નિયમ મુજબ 10 હજાર સામે ફકત 2150 ગાંસડી જ કપાસની ખરીદી કરાશે તો અન્ય 70 ટકા જેટલા ખેડૂતોના લોહી પરસેવાથી દેવું કરીને પકવેલા કપાસને ક્યાં વેચવા જશે એ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
જો કે સીસીઆઈએ પરિપત્રમાં ફેક્ટરીઓમાં કપાસનો ભરાવો અને ખેડૂતોને ચૂકવનાનું કારણ દર્શાવી ખેડૂતોને તકલીફ ના પડે તે માટે આ નિયમ અમલી કરાયો હોવાનું દર્શાવ્યું છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો, નેતાઓ, એપીએમસી સંચાલકો સહિત ખેડૂત આગેવાનો કપાસની ખરીદી ઉપર અંકુશ હટાવવાની માંગ કરી રહ્યા છે.
નવા નિયમ અંગે સરકારમાં રજુઆત કરીશું : ધારાસભ્ય અભેસિંહ તડવી
છોટાઉદેપુર આદિવાસી જિલ્લો છે અને મોટાભાગના ખેડૂતો ફક્ત ચોમાસા ખેતી ઉપર જ નભે છે, જેમાં પણ રોકડીયા પાક કપાસ ઉપર આદિવાસી ખેડૂતો વધુ નિર્ધારિત હોય છે. તેવામાં સીસીઆઈના નવા નિયમથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે તો ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી તેમજ જિલ્લાના એપીએમસી સંચાલકો પણ સીસીઆઈના નવા નિયમો અંગે સરકારમાં રજૂઆત કરીશું. તેવું ઇટીવી ભારત સાથે વાતચીત જણાવ્યું હતું.