છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેશરપુરામાં કેસરિયો લહેરાયો હતો. સંખેડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ભાજપમાં વિધિવત રીતે જોડાઇ ગયાં છે. તેમના ભાજપમાં જોડાવા સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ શિક્ષણપ્રધાન કુબેરભાઈ ડીડોર આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિ નાગરિક પુરવઠાપ્રધાન ભીખુસિંહ પરમાર જેવા વિસ્તારના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાયાં : છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયા છે. જેને લઈને નસવાડી તાલુકામાં કોંગ્રેસનો સફાયો થઇ શૂન્યાવકાશ સર્જાયો છે. ધીરુભાઈ ભીલની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયાં હતાં જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાના પંચાયત સભ્યો પણ છે. છોટાઉદેપુર જિલ્લાની ત્રણે ત્રણ વિધાનસભા બેઠક હાલ ભાજપના ખાતામાં છે.
મેં જે પાર્ટીમાં રહ્યો તેને વફાદાર રહેનારો સૈનિક છું. હવે હું હું ભાજપમાં આવ્યો છું ત્યારે ભાજપને જ વફાદાર રહીશ. મારા ગામમાં ભાજપની સરકારે 19.20 કરોડના ખર્ચે મોડલ સ્કૂલ બનાવી છે. જેમાં 1200થી વધુ બાળકો શિક્ષણ મેળવશે, ભાજપ સરકારે વિકાસના કામો કર્યા છે, જેનાથી હું પ્રભાવિત થયો છું. મારા કાર્યકરો મને ભાજપમાં જોડાવાની અપીલ કરતાં હું કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાયો છું... ધીરુભાઇ ભીલ (ભાજપમાં જોડાનાર કોંગ્રેસી નેતા)
કોંગ્રેસને વધુ એક ફટકો : ધીરુભાઈ ભીલ કોંગ્રેસમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે. તેઓે આદિવાસી પૂર્વપટ્ટીમાં વોટ બેંક પર ખૂબ સારી પકડ ધરાવે છે. જેથી આવનાર લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગઈ વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસના દિગજ્જ નેતા મોહનસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાયા હતાં. ત્યારથી જ છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ સતત નબળી પડી રહી છે.
ધીરુભાઈ ભીલ ચાર વખત ધારાસભ્ય રહ્યાં, પરંતુ કોંગ્રેસમાં કોઈ વિકાસ ન થતા તેમણે પોતે વડાપ્રધાનની કામગીરીથી પ્રભાવિત થઇ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. તેમને હું આવકારું ને વધાવું છું... સી.આર.પાટીલ (પ્રમુખ, પ્રદેશ ભાજપ )
એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલનું લોકાર્પણ : કેશરપુરા ખાતે આદિજાતિ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લાના ત્રણ ધારાસભ્ય સંખેડા વિધાનસભા અભેસિંહ તડવી, જેતપુર વિધાનસભા જ્યંતીભાઈ તડવી અને છોટાઉદેપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો ભાજપ જોડાતા આયોજનલક્ષી કામોમાં કામોની વહેંચણીમાં સરખો ભાગ લેશે અને પોતાના મત વિસ્તારનો વિકાસ કરશે.