- છોટાઉદેપુરના બોડેલી નજીક અકસ્માત
- અકસ્માતમાં ચાર પૈકી ત્રણને નાની મોટી ઇજા, એક મહિલાનું મોત
- બનાવના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં
છોટાઉદેપુરઃ જિલ્લાના બોડેલી નજીક આવેલા મેલડી માતાના મંદિર પાસે બુધવારે રાત્રે જાંબુઘોડા રોડ તરફથી પુરઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ચારને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું.
ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા મેલડી માતાના મંદિર પાસે બુધવારે રાત્રે સાડા 9 વાગ્યાની આસપાસ નીલમ ઉમેશ રાઠવા, તેમનું બાળક શિવકુમાર રાઠવા તેમજ પારુલબેન પ્રકાશ રાઠવા તેમનું બાળક યુવેન પ્રકાશભાઈ રાઠવા મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારે જાંબુઘોડા રોડ તરફથી પુરપાટ આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ચારને અડફેટે લઈ સિમેન્ટરના થાંભલા તોડી હાઇટેનશના થાંભલા સાથે ફંગોળાઈને ધડાકાભેર અથડાઇ હતી. બનાવના પગલે આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈઝાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણને બોડેલી ઢોકલીયા હોસ્પિટલમ તેમજ નીલમબેનને ઢોકલીયા પાસે આવેલી આનંદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતમાં નીલમબેનને ગંભીર ઇજા થતા વધુ સારવાર અર્થે વાઘોડિયાના પારુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માતની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.