- કૃષિ કાયદાઓથી ખેડૂતોની આવક બમણી થશે રાજ્ય પ્રધાન: બચુભાઈ ખાબડ
- સ્વ.અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
- મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક સહિત કીટ વિતરણ કરવામાં આવ્યું
છોટા ઉદેપુરઃ જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સુશાસન દિવસ યોજાયો હતો. આ ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા પ્રધાન બચુભાઈ ખાબડએ જણાવ્યું કે, સરકારે રાજ્યમાં વસતા તમામ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટે સતત ચિંતા અને ચિંતન કરી રહી છે. તેમણે રાજ્યના ખેડૂતોને કૃષિ કાયદાઓ બાબતે ફેલાવવામાં આવતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અનુરોધ કર્યો હતો. જેમના હૈયે સૌ કોઈનું હિત વસેલું છે, એવા દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી આગામી સમયમાં ખેડૂતોની આવક બમણી થશે અને ગુજરાતે કરેલા તમામ ક્ષેત્રોમાં સમતોલ વિકાસ થકી સમગ્ર વિશ્વમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.
વડા પ્રધાન આજે દેશના ખેડૂતોના ખાતામાં પૈસા સીધા જમા કરાવશે
આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધિ અંગે વાત કરતા જણાવ્યું કે, વડા પ્રધાન આજે દેશના નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા સીધા જમા કરાવશે. તેમણે પૂર્વ વડા પ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
ઇ-સેવાસેતુ અંગેની ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત સુશાસન દિવસની ઉજવણીનું વીડિયો કોન્ફરન્સથી જીવંત પ્રસારણ કર્યું હતું, તેમજ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના વિષયક ફિલ્મ અને ઇ-સેવાસેતુ અંગેની ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રધાન અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ, ચેક અને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહ, ડીવાયએસપી એ.વી કાટકડ, એપીએમસીના ચેરમેન શિવ મહરાઉલ, ગામના સરપંચ, પંચાયતના સભ્યો, ખેડૂતો, નાયબ બાગાયત નિયામક કૃણાલભાઇ પટેલ તેમજ વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાયદાઓથી ખેડૂતોને સાચા અર્થમાં આઝાદી મળશે: સાંસદ ગીતાબેન રાઠવા
છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ અંગે જાણકારી આપતા તેમણે આ કાયદાઓથી ખેડૂતોને સાચા અર્થમાં આઝાદી મળશે એમ જણાવી રાજ્ય સરકારની સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના વિશે માહિતી આપી આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.