સુરતના અબ્રામા ખાતે આજે 262 નવયુગલોએ પ્રભુતાના પગલા ભર્યા હતા. આ સમૂહ લગ્ન પહેલા નવદંપતિઓએ પુલવામાં મા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. કશ્મીર પુલવામાં થયેલા આતંકી હુમલામાં દેશના બહાદૂર જવાનો વીરગતી પામ્યા છે. આ ઘટનાથી સમગ્ર દેશ શોક મગ્ન છે ત્યારે સુરત ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 262 યુગલોના સમૂહ લગ્નમાં લગ્ન પહેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટ મૌન પાડી લગ્નમાં આવેલા 50 હજારથી વધુ લોકોએ રાષ્ટ્રગાન સાથે ભાવાંજલિ આપી હતી. સમૂહ લગ્નોત્સવમાં પ્રવેશતા તમામ લોકો શહીદ વીર જવાનોની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરતા હતા.
આ સમયે શહીદ જવાનોના પરિવારોને આર્થિક યોગદાન પણ આપ્યું હતું. આ લગ્નોત્સવમાં એકત્ર થનાર ચાંદલાને પુલવામાં મા શહીદ થયેલા જવાનોના પરિવારને આપવાનો નિર્ણય શ્રી વીર જવાન નાગરિક સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં લગ્ન પહેલા જ 22 લાખ જેટલી રકમ એકત્ર થઇ હતી. સમિતિને આશા છે કે આ સમૂહ લગ્નમાં લોકો 65 લાખથી વધુ આર્થિક યોગદાન લોકો શહીદના પરિવારને આપશે.
આ સમૂહ લગ્નમાં આશરે 20 હજારથી વધુ લોકોએ શપથ પત્ર ભરી દરરોજનો એક રૂપિયા લેખે સૈનિક કલ્યાણ ફંડમાં દાન આપવાની જાહેરાત કરી હતી. આ માટેના સંકલ્પ પત્રો ફોર્મ પણ ખૂટી પડ્યા હતા. 2000થી વધુ પરિવારોમાં કુલ 10 હજારથી વધુ લોકોએ દરરોજનો એક રૂપિયો દાન આપવા સંકલ્પ પત્ર ભર્યા હતા. આ સમૂહ લગ્ન થકી સુરતે સમગ્ર રાષ્ટ્રને એક પ્રેરણા આપી હતી. રાષ્ટ્ર ભાવના માત્ર થોડા દિવસો નહીં કાયમી ધબકતી હોવી જોઈએ આ સંદેશ સમૂહ લગ્નમાં આપવામાં આવ્યું હતું. જ્યાં લગ્નના માંડવે રાષ્ટ્રગાનથી લોકોમાં દેશભક્તિનો વધુ સંચાર થયો હતો. પુલવામાં બનેલી ઘટનાને લગ્ન ઉત્સવમાં હાજર તમામ લોકોએ વખોડી કાઢી હતી અને દેશના સૈનિકો દ્વારા આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની માંગ કરી હતી.
પુલવામાં બનેલી આતંકી ઘટના બાદ જાણે સમગ્ર દેશવાસીઓ હવે શહીદ જવાનોના પરિવાર સાથે ખભેથી ખભા મેળવી ચાલી રહ્યા છે, અને પરિવારને શક્ય હોય તેટલી મદદ કરવા આગળ આવી રહ્યા છે. જો કે સુરતમાં સમૂહ લગ્ન દરમ્યાન રાષ્ટ્રભાવનાની સાથે દેશભક્તિ પણ જોવા મળી છે. જે એક પ્રેરણા સ્ત્રોત કિસ્સો બની રહ્યો છે.