ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કોંગ્રેસ કમિટીની મળેલી બેઠકમાં ગાંધીનગર જિલ્લાના ત્રણ ધારાસભ્યો સી.જે ચાવડા, સુરેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, ડો. હિમાંશુ પટેલ સહિતના જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં હાજર રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યમાં 58 વર્ષ બાદ કોંગ્રેસ કમિટીની બેઠક ગાંધીનગર ખાતેના અડાલજ ત્રિમંદિર ખાતે યોજાઈ રહી છે. તેને જોતા ગાંધીનગર જિલ્લો યજમાન ગણાશે. આ રેલીને સફળ બનાવવા તન-મન-ધનથી કામગીરી કરવા પણ સૂચન કર્યું હતું.
રાજકીય પાર્ટીઓમાં તાજેતરમાં જ ભાજપ દ્વારા અડાલજ ત્રિમંદિર ખાતે રાષ્ટ્રીય મહિલા અધિવેશનનું આયોજન કરાયુ હતું. ત્યાર બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ ત્રિમંદિરની પવિત્ર ભૂમિ પરથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 28મી ફેબ્રુઆરી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ આ રેલીમાં જોડાશે. આ રેલી એક ઐતિહાસિક રેલી બની રહેશે. તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
આ રેલી બાદ સભા યોજીને લોકસભા જીતવા કાર્યકરોને હાકલ કરવામાં આવશે. ભાજપના મહિલા રાષ્ટ્રીય અધિવેશન બાદ ઉપરથી ચૂંટણીનો શંખનાદ કરી રહી છે, ત્યારે હવે આ ભૂમિ કઈ પાર્ટી માટે નશીબદાર સાબિત થાય છે તે તો આવનાર સમય જ બતાવશે.
છ દાયકા બાદ આગામી 28મી ફેબ્રુઆરીએ રાજ્યમાં કોંગ્રેસ કમિટીની બેઠક યોજાશે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત મનમોહન સિંહ હાજર રહેશે.