બોટાદઃ રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા હતા. જેને લઈને રાજયમાં 8 બેઠકો ખાલી પડી હતી. જે બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી દીધી છે, ત્યારે રાજકીય પક્ષો ચૂંટણીના મેદાને આવી ગયા છે. જેને લઇને કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ બોટાદના ગામડાઓમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાલી પડેલી 8 બેઠકોની પેટા-ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે.
બોટાદ જિલ્લામાં ગઢડાના કોંગ્રેસના માજી ધારાસભ્ય પ્રવીણ મારુએ રાજીનામું આપી દીધું હતું. જેથી ગઢડા વિધાનસભાની પેટા-ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેને લઇને રાજયના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ આજે એટલે કે રવિવારે ગઢડા વિધાનસભા વિસ્તારના માંડવધાર, કેરાળા, રામપરા, રોજમાળ, વાવડી, ઈતરીયા, લીબાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગામના સરપંચો, આગેવાનો, કાર્યકરો સાથે બેઠકો કરી હતી. આ બેઠકો દરમિયાન તેમણે રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા લોક હિતના કામો અંગે લોકોને જાગૃત પણ કર્યા હતા.
કુવરજી બાળિયાએ આ બેઠકો દરમિયાન કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે, કોંગ્રેસની નાવ હવે ડૂબવાની તૈયારીમાં છે. કેબિનેટ પ્રધાનના પ્રવાસ દરમિયાન તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી, મધુસુદન ડેરીના ચેરમેન ભોળા રબારી, બોટાદ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન વાલજી જાદવ, જયરાજ પટગીર, તાલુકા ભાજપ પ્રમુખ માધુ વસાણી વગેરે ભાજપના હોદ્દેદારો રહ્યા હતા.