- મહુવા બસસ્ટેશન નજીકના લોકો અનેક સુવિધાઓથી વંચિત
- 2500 જેટલા મકાનોમાં 5000થી વધુ લોકો વસવાટ કરે છે
- પાલિકામાં વિસ્તારો સમાવી સુવિધાઓ આપવાની સ્થાનિકોની માગણી
મહુવાઃ મહુવા બસસ્ટેશન નજીક 6થી 7 સોસાયટીમાં 2500 જેટલા રહેણાક મકાનોમાં 5000થી વધુ લોકો વસવાટ કરે છે. જોકે આ વિસ્તારનો પાલિકામાં સમાવેશ થતો નથી. જે કારણે પાલિકા તરફથી મળતી સેવાઓનો લાભ અહીંના લોકોને મળતો નથી.
અનેકવાર રજૂઆતો થઈ છે
છેલ્લા 25 વર્ષથી નવા બસસ્ટેશનથી ઉમણિયાવદર રોડ પર રહેણાકી મકાનોનો વિસ્તાર વધતો જાય છે.અહીં ફતેમાં સોસાયટી, વંડર પાર્ક, સદાતા કોલોની, મહેંદી બાગ, નૂરની પાર્ક સહિતની સોસાયટીઓ આવેલી છે. જેમાં 2500 થી 3000 રહેણાક મકાનોમાં 5000 થી વધુ લોકો વસવાટ કરે છે. પરંતુ અનેક રજૂઆતો કરવા છતાં આ વિસ્તાર પાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવતો નથી.
ચારેતરફ ગંદકી જ ગંદકી
પાલિકા તરફથી મળતી સામાન્ય સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, સફાઈ જેવી સુવિધાઓ અહીંના લોકોને મળતી નથી અને અહીં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. રસ્તા પર મસમોટા ખાડા અને એમાં પણ પાણી ભરેલું જોવા મળ્યું જેને લઇ ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાયેલા છે.
ચૂંટણીલક્ષી રાજકારણનો આક્ષેપ
જોકે અહીંના લોકોનો આક્ષેપ છે કે જ્યારે વિધાનસભા ચૂંટણી આવે ત્યારે નેતાઓની અવરજવર જોવા મળે છે. અનેક વાયદાઓ મળે છે પરંતુ પરિણામલક્ષી કામગીરી ક્યાંય દેખાતી નથી. આ વિસ્તારની ઉપેક્ષા રાજ્કીય કારણોસર થઈ હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યાં છે. આ વિસ્તારના લોકોનો સમાવેશ પાલિકામાં ક્યારે થશે, સામાન્ય સુવિધાઓ ક્યારે મળશે તેવા અનેક સવાલો અહીંના સ્થાનિકોમાં ઉઠી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Onion સીઝન પૂર્ણ થવાને આરે, મહુવા યાર્ડમાં હવે આટલી જ આવક થઈ રહી છે
આ પણ વાંચોઃ મહુવામાં વરસાદનું આગમન, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી