આ કોઈ સરકારી સંગઠન કે, સરકારી પ્રોજેક્ટ નથી. પરંતુ, ભાવનગરના વિકાસશીલ યુવાનોએ માત્ર નિજાનંદ માટે ભાઈબંધ પાઠશાળા ચલાવે છે. આ શાળાનું સંચાલન ડો. ઓમ ત્રિવેદી દ્વારા કરવામાં આવે છે. ભાવનગરમાં સામાજિક ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર અને એમ.કે.બી યુનિવર્સિટીમાં કાર્યરત ઓમ ત્રિવેદી વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ન રહે તે માટે ધોરણ 10 અને 12ના બાળકો માટે 'તમારો ભાઈબંધ'ના નામથી દસ હજાર પુસ્તકો વિનામૂલ્યે વિતરણ કરે છે.
ડો. ઓમ ત્રિવેદી એક સાંજે ભાવનગરની મુખ્ય બજારમાં મિત્રો સાથે ફરતા હતાં, ત્યારે ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલી નાની વયની બાળા સાથેની મુલાકાત બાદ તેમના મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા કે, અક્ષરજ્ઞાન નહીં ધરાવતી આ બાળાને ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેથી આવા તક વંચિત બાળકો માટે કંઈક કરવું જોઈએ. આવા બાળકોના માતા પિતા મોટાભાગે ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે અને બાળકોને આખો દિવસ છૂટક કામ માટે અથવા ભિક્ષાવૃત્તિ સાથે સાંકળવામાં આવે છે. બાળકો માટે મજબૂરી હોય છે.
ભાવનગરના ટાઉન હોલના પગથિયે શરૂ કરવામાં આવેલી પાઠશાળામાં સાંજે સાત કલાકે ભાઈબંધ તેના થેલામાં રોલઅપ બોર્ડ, સરસ્વતી માતાની છબી, દેશી હિસાબની ચોપડીઓ, ચિત્ર વાર્તાનાં પુસ્તકો લઈને પહોંચી જાય છે. બાળકો આવે એટલે પ્રથમ પ્રાર્થના બોલાવ્યા બાદ બાળ ગીતોની રમઝટ બોલાવવામાં આવે છે. જે બાદ અક્ષર જ્ઞાનનો અભ્યાસક્રમ અને દોઢ કલાક ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. ત્યારબાદ બાળકોને નાસ્તો આપવામાં આવે છે. ટાઉન હોલના પગથિયે શરૂ થયેલી પાઠશાળા પ્રતિકૂળતાને કારણે હાલ પીલગાર્ડન સરદારબાગના રૂખડા દેવના મંદિરે સાંજે સાતથી નવ દરમિયાન નિયમિત રીતે ચલાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આજના યુગમાં શિક્ષણનું પ્રાઇવેટાઝેશન થઈ રહ્યું છે. સ્કુલ કોલેજના શિક્ષકો ટ્યુશન કરાવી રહ્યાં છે. જ્યારે ભાવનગરમાં શિક્ષણ માટે અનોખી ભાઈબંધ પાઠશાળા ચલાવવામાં આવે છે.