મળતી માહિતી અનુસાર, શુક્રવારે મોડી સાંજ બાદ ભાવનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકના ટૂંકા ગાળામાં દોઢ ઇંચ કારણે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદથી ભાવનગર શહેર સહિત જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું. તે દરમિયાન અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો અરવિંદભાઇ ઉમરાલીયાનો 7 સભ્યોનો પરિવાર ઇકો કાર નંબર જી.જે.૨૭.સીએફ.6501 લઇ ભાવનગર સ્થિત તેમના નાના પુત્ર ચેતનની પત્નીનું આણું તેડવા ભાવનગર આવી રહ્યો હતો.
ત્યારે ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમા આખલોલ જકાતનાકાના પુલને પહોળો કરવા ચાલી રહેલા કામના પગલે નીચેથી પસાર થતી વખતે આખલોલ નદી પટ્ટમાંથી આપવામાં આવેલ ડાઇવર્ઝનમાંથી પસાર થતાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ ગઈ હતી. જેમાં ડ્રાઈવર સહિત પરિવાર કંઈ સમજે તે પૂર્વે જ કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા ભારે કાગારોળ મચી હતી.
આ બનાવની જાણ થતાં ભાવનગર કાફલો તથા પોલીસ અને ભાવનગર મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તો, આ બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિક રહીશો પણ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ભાવનગરના ફાયર બ્રિગેડ કાફલાએ અંદાજિત 2 કલાકની ભારે જહેમત બાદ પાણીના ધસમસતા પ્રવાહમાં ગયેલી ઇકો કાર ચાલક ચેતન ઉમરાલીયા તેના પિતા અરવિંદભાઈ ઉમરાલીયા તથા તેની ભત્રીજી નેહાબેન ઉમરાલીયા સહિત ત્રણ લોકોને બચાવી લીધા હતા. જયારે કારમાં સવાર એક અઢી વર્ષની માસૂમ બાળા આધ્યા ઉમરાલીયા તેના પિતા કેયુરભાઈ ઉમરાલીયા, કેયુરભાઈના પત્ની રીટાબેન ઉમરાલીયા તથા કેયુરભાઇના માતા લતાબેન ઉમરાણીયાયા સહિત કુલ ચાર લોકો લાપતા થયા હતા.
ભાવનગર ફાયર બ્રિગેડ કાફલાએ મોડી રાત સુધી લાપતા લોકોને શોધવા માટે ભારે શોધખોળ હાથ ધરી હતી. જ્યાં મોડી રાત્રે કેયુરભાઈ ઉમરાલીયા તથા તેના પત્ની રીટાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે, લતાબેન અને માસૂમ બાળા આધ્યાની શોધખોળ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સરકારી ચોપડે 15 જૂનથી ચોમાસુ બેસી ગયું હોવા છતાં ભાવનગર મહાનગર પાલિકા તંત્ર ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમા આખલોલ જકાતનાકા નાના પુલને પહોળો કરવાં કોન્ટ્રાક્ટરે ચોમાસા દરમિયાન પણ નદી પટ વિસ્તારમાંથી ડાયવર્ઝન કાઢ્યું છે. જેમાં ગંભીર બેદરકારી દાખવવાના કારણે આ ઘટના ઘટી હોવાનું મનાઈ રહ્યું છે. જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ બીજીવાર કોઇ દુર્ઘટના ન થાય એ પહેલાં આ કામ વહેલી તકે પૂરું કરવાની માગ ઉગ્ર બની છે.