ભાવનગર: વિશ્વભરમાં કોરોના વાઇરસનો કહેર જાણે કે કાળ બની આવ્યો છે. વાઇરસના સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.
લોકડાઉનનો સમય વધતા અનેક પરિવારોની આજીવાકા પર પણ સીધી અસર પડી છે. ઉદ્યોગો અને રોજગાર ઠપ્પ થઇ ગયા છે. એવા સમયે ધર્મ ગુરુઓ દ્વારા પણ લોકોને સંયમ અને ધીરજ રાખવાના ઉપદેશો તેમજ આર્થિક સહાય આપવામાં આવી રહ્યા છે.
જિલ્લાના મહુવા તાલુકાના રામકથાકાર મોરારિબાપુ દ્વારા આવી પડેલી વિકટ સ્થિતિમાં બાપુની સંવેદના સમાજના તમામ લોકો માટે સમાનભાવે વહી છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશના અનેક પ્રાંતોમાંથી રૂપિયા ત્રણ કરોડ જેટલી આર્થિક અને જરૂરી ચીજ વસ્તુની સહાય પહોંચાડવામાં આવી રહી છે.
વિશાખાપટ્ટનમમાં ગેસ ગળતરથી મૃત્યુ પામેલા 11 લોકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા એક લાખ એમ કુલ 11 લાખની સહાય આપવામાં આવી હતી. ત્યારે આ સાથે જ મધ્ય પ્રદેશના 16 કમભાગી લોકો કે જેમને રેલ્વે ટ્રેક પર કચડાઈ જવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમના પરિવારજનોને પણ પ્રત્યેકને પાંચ-પાંચ હજારની સહાયતા રાશી આપવામાં આવી હતી.
લોકડાઉન વચ્ચે લોકો ડીપ્રેશનની માનસિકતા ન ઉદ્ભવે તેથી છેલ્લાં 49 દિવસોથી દરરોજ બાપુ દ્વારા કોઈને કોઈ વિષયને કેન્દ્રમાં રાખી એક હરિકથા સોશિયલ મીડીયાના સહયોગથી કહેવામાં આવી રહી છે.
આ ઉપરાંત મોરારીબાપુના સેવકો દ્વારા બાપુની સૂચના અનુસાર પ્રધાનમંત્રી ફંડમાં સહાય આપવામાં આવી છે. દરેક જરૂરિયાતમંદ લોકોને બાપુ દ્વારા અનાજની કીટ સ્વરૂપે સહાય આપવામાં આવી રહી છે. અત્યાર સુધી 7 હજારથી પણ વધુ કીટ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત કોરોના મહામારીને નાથવા કાર્યમાં લાગેલા મેડીકલ, પોલીસ અને સફાઈ કર્મીઓ માટે રૂપિયા 6 લાખની પીપીઈ કીટનું પણ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અલંગમાં અનેક પરપ્રાંતિય મજૂરો માટે ભોજન રસોડું શરુ કરવામાં આવ્યું છે તો આ સાથે જ મહુવામાં ‘ભૂખ્યાંને ભોજન’ સંસ્થાને દોઢ લાખની સહાય મોકલવામાં આવી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત નિધિને 25 લાખ રૂપિયાની સહાય મોકલવામાં આવી છે. બનારસ, મુંબઈ અને સુરતની ગણિકા બહેનોને પણ અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટ મોકલવામાં આવી છે.
.